અમદાવાદ : રોગચાળાને કાબુમાં લેવા માટે તંત્ર દ્વારા લેવામાં આવી રહેલા પગલાંની અસર ચોક્કસપણે થઈ રહી છે પરંતુ કેસો હજુ પણ નોંધાઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના કેસોને રોકવા માટે તંત્ર દ્વારા વિવિધ પગલાં વચ્ચે કેસો નોંધાયા છે. ડિસેમ્બર મહિનામાં માત્ર ૧૫ દિવસના ગાળામાં સાદા મેલેરિયાના ૩૧, ઝેરી મેલેરિયાના ૧૭, ડેન્ગ્યુના ૪૦ અને ચિકનગુનિયાના ૭ કેસ સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ પાણીજન્ય કેસોની વાત કરવામાં આવે તો ઝાડા ઉલ્ટીના માત્ર ૧૫ દિવસના ગાળામાં ૨૯૨ કેસ અને કમળાના ૧૦૨ કેસ સપાટી ઉપર આવ્યા છે.
ટાઈફોઈડના ૧૨૬ કેસ નોંધાઈ ગયા છે. ચાલુ માસ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા જુદા જુદા પગલાં લેવામાં આવ્યા છે. અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે. ૨૦૧૮માં હજુ સુધીના ગાળામાં ઉલ્લેખનીય કામગીરી અદા કરવામાં આવી છે. કુલ ૨૦૫૭ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવી ચુક્યા છે જે પૈકી ૧૮૮ નમૂના અપ્રમાણિત જાહેર કરવામાં આવ્યા છે.
નવેમ્બર ૨૦૧૮માં ૯૫ અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા અને તપાસ કરવામાં આવી હતી. તેમાંથી ૭૨ નમૂના પ્રમાણિત જાહેર થયા છે. ૧૫મી ડિસેમ્બર ૨૦૧૮ સુધીમાં ૭૩ અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આયા છે. પાણીના નમૂના લઈને તપાસ કરવામાં આવી છે. ૨૩૮૫ કિલોગ્રામ બિનખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે. મોટાપાયે ક્લોરિન ગોળીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું છે.