અમદાવાદ : અમદાવાદ શહેરમાં વધતી જતી ગરમી વચ્ચે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. ઉનાળાની સિઝનના અનુસંધાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ફ્લાઇંગ સ્કવોર્ડ વિભાગ દ્વારા અલગ અલગ ઝોનમાં ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ હેઠળ જુદા જુદા ખાદ્ય પદાર્થોના શંકાસ્પદ નમુના લઇને ચકાસણી કરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસના ગાળામાં જ પેકેજ ડ્રિક્સ વોટરના આઠ, બેવરેજીસના ૧૦, જ્યુસના ત્રણ, આઈસક્રિમના પાંચ અને કુલ ૪૨ સેમ્પલો લઇને તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે.
તમામના પરિણામ હજુ આવ્યા નથી. પરિણામ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં માત્ર ૧૧ દિવસના ગાળામાં જ ઝાડા-ઉલ્ટીના ૪૩૫ અને ટાઈફોઈડના ૧૫૮ કેસ સપાટી પર આવ્યા છે. કમળાના ૭૩ કેસ નોંધાઈ ગયા છે. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગ જેમ કે ડેન્ગ્યુ, ચિકનગુનિયાના આંકડા ઉપર નજર કરવામાં આવે તો સાદા મેલેરિયાના ૧૧ દિવસના ગાળામાં સત્તાવાર રીતે ૯૭ કેસ અને ઝેર મેલેરીયાના ૯ કેસ નોંધાઈ ગયા છે.
મે ૨૦૧૮માં ૧૦૩૨૪૧ લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. જેની સામે ૧૧મી મે ૨૦૧૯ સુધીમાં ૩૧૧૭૩ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી ચુકી છે. આવી જ રીતે સિરમ સેમ્પલની વાત કરવામાં આવે તો મે ૨૦૧૮માં ૨૦૮૭ સિરમ સેમ્પલની સામે ૧૧મી મે ૨૦૧૯ સુધીમાં ૧૭૧ સિરમ સેમ્પલ લેવામાં આવી ચુક્યા છે. ચાલુ માસ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે જેમાં ક્લોરિન ટેસ્ટ, બેક્ટીરીયોલોજીકલ તપાસ માટે પાણીના નમૂના, બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો નાશ, ક્લોરિન ગોળીઓના વિતરણ જેવા પગલા સામેલ છે. આરોગ્ય વિભાગ દ્વારા જુદા જુદા વિસ્તારમાં ક્લોરિન ગોળીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. ઉપરાંત નમૂનાઓના ટેસ્ટ પણ લેવાયા છે.