અમદાવાદ : દેશભરમાં સૌપ્રથમવાર વાઇબ્રન્ટ શોપિંગ ફેસ્ટિવલ ઓર્ગેનાઈઝીંગ ફેડરેશન દ્વારા ગુજરાત સરકાર ઇન્ડેક્ષ્ટ બી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના સહયોગથી તા.૧૭મી જાન્યુઆરીથી તા.૨૮મી જાન્યુઆરી સુધી અમદાવાદ ખાતે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનુ આયોજન કરવામાં આવ્યું છે. આ શોપિંગ ફેસ્ટિવલમાં આશરે ૨૫૦૦૦થી વધુ વેપારીઓ ભાગ લેશે. આ ઐતિહાસિક અમદાવાદ શોપીંગ ફેસ્ટીવલમાં રીટેઇલર, હોલસેલર અને મેન્યુફેકચરર્સ પણ ભાગ લેશે. આ ફેસ્ટીવલ દરમ્યાન કપડાં, જવેલરી, સ્પા, સલુન,ઓટોમોબાઇલ, રેસ્ટોરેન્ટ, ઇલેક્ટ્રોનિક્સ,મોબાઈલ ફોન, કીચન એપ્લાયન્સીસ, ફર્નિચર સહિતની તમામ વસ્તુઓ ગ્રાહકોને સરળતાથી અને આકર્ષક ઓફરો સાથે ઉપલબ્ધ બનાવાશે.
ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તા.૧૭મી જાન્યુઆરીના રોજ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ શોપીંગ ફેસ્ટીવલનું વિધિવત્ ઉદ્ઘાટન કરશે. આ ફેસ્ટિવલના ભાગરૂપે શહેરમાં અનેક સ્થળોએ આકર્ષક લાઇટિંગ અને ડેકોરેશન કરવામાં આવશે. તો, ફેસ્ટિવલમાં ગ્રાહકોને આકર્ષક ડિસ્કાઉન્ટની સાથે સાથે રૂ.૧૦ કરોડ સુધીના ઇનામો જીતવાની તક પણ મળશે. આ શોપીંગ ફેસ્ટીવલમાં ગ્રાહકો માટે અનેક આકર્ષણો રહેશે, ફેસ્ટીવલને લઇ વેપારીઓ અને ગ્રાહકો માટે ખાસ મોબાઇલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે. વાઇબ્રન્ટ શોપિંગ ફેસ્ટિવલ ઓર્ગેનાઈઝીંગ ફેડરેશનના પ્રેસિડેન્ટ જયેન્દ્ર તન્ના, સેક્રેટરી અનિલ સંઘવી અને મીડિયા કન્વીનર આશિષ ઝવેરીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશના ઇતિહાસમાં સૌપ્રથમવાર યોજાઇ રહેલા અમદાવાદ શોપીંગ ફેસ્ટીવલ કોઇ મોટા મેદાન, એકઝીબીશન કે ડોમ સ્વરૂપનો નથી પરંતુ એક નવા જ કન્સેપ્ટ પર કે શહેરના વિવિધ વિસ્તારોમાં બોપલથી લઇ નિકોલ સુધીના ૨૦ કિલોમીટરના વિસ્તારમાં આવતી દુકાનો, શોપીંગ મોલ અને શો રૂમ્સના વેપારીઓ, હોલસેલરો, મેન્યુફેકચરર્સ આ ફેસ્ટીવલમાં જાડાશે.
તેઓ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી આ ફેસ્ટીવલમાં જાડાશે અને શહેરીજનો-ગ્રાહકો મોબાઇલ એપ મારફતે તેમના જ વિસ્તારમાં આ ફેસ્ટીવલમાં સામેલ દુકાનો, શોપ્સ, શોરૂમ કે મોલમાંથી આકર્ષક દરે અને ઓફરો સાથે ખરીદી કરી શકશે. શહેરના નાગરિકો અને ગ્રાહકોને આ ફેસ્ટીવલ વિશે સંપૂર્ણ જાણકારી મળી રહે તે હેતુથી શહેરના વિવિધ વિસ્તારોમાં છથી વધુ રોડ શો પણ આગામી દિવસોમાં યોજાશે. ૧૨ દિવસ ચાલનારા આ ફેસ્ટિવલ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાના રહેશે. વાઇબ્રન્ટ શોપિંગ ફેસ્ટિવલ ઓર્ગેનાઈઝીંગ ફેડરેશન ના પ્રેસિડેન્ટ જયેન્દ્ર તન્ના, સેક્રેટરી અનિલ સંઘવી અને મીડિયા કન્વીનર આશિષ ઝવેરીએ વધુમાં ઉમેર્યું કે, આ ફેસ્ટીવલમાં કપડાં, જવેલરી, સ્પા, સલુન,ઓટોમોબાઇલ, રેસ્ટોરેન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, મોબાઈલ ફોન, કીચન એપ્લાયન્સીસ, ફર્નિચર જેવી અનેક વસ્તુઓના ધંધાર્થીઓ-વેપારીઓ ભાગ લઇ રહ્યા છે. વેપારીઓએ એએસએફરિટેઇલર.કોમ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે, જે તા.૧૫મી જાન્યુઆરી સુધી ચાલશે. ફેસ્ટીવલમાં ભાગ લેનારા વેપારીઓ-ધંધાર્થીઓની દુકાનો શોપીંગ ફેસ્ટીવલનો હિસ્સો છે તે ગ્રાહકોને ખબર પડે એટલા માટે તે દુકાનો-શોપ્સના વેપારીઓ-ધંધાર્થીઓને ખાસ કીટ, બેનર, ફેસ્ટીવલની સ્ટેન્ડી, ટીશર્ટ, કેપ સહિતની સામગ્રી આપવામાં આવશે., જેથી ગ્રાહકોને ફેસ્ટીવલમાં જાડાયેલી દુકાનો અને સ્થળોએથી ખરીદી કરવાની ખબર પડે. આવા વેપારીઓનુ વેબસાઇટ પર પ્રમોશન પણ કરવામાં આવશે.