અમદાવાદ :જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી હતી તે ભગવાન જગન્નાથની રથયાત્રા આજે અમદાવાદ શહેરમાં ભારે હર્ષોલ્લાસ અને ભકિતભાવ વચ્ચ પરંપરાગત રૂટ પર નિકળનાર છે. ૧૪૨ રથયાત્રાને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આ વખતે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભારતીય અખાડા પરિષદના મોટા સંતો-મહંતો અને કુંભમેળાના સાધુ-સંતો હાજરી બહુ નોંધનીય બની રહેશે. તો આ વર્ષે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામ માટે બનારસ, વૃંદાવન, અયોધ્યા સહિતના પવિત્ર સ્થળોએથી સુંદર અંલકારિક વસ્ત્રો, પાઘડી અને તેને અનુરૂપ વાઘા-વસ્ત્રોઅને સાજ શણગાર તૈયાર કરાયા છે. આ વખતે ભગવાન રજવાડી વેશમાં નગરજનોને દર્શન આપશે, જેને લઇને ભકતોમાં અત્યારથી જ ભારે ઉત્સાહ અને ઇન્તેજારી જાવા મળી રહ્યા છે.
આજે રથયાત્રાના દિવસે સવારે ચાર વાગ્યે મંગળાઆરતીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ખાસ હાજર રહેશે, જયારે સાત વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે પહિંદવિધિ બાદ તેઓ રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે. રથયાત્રાનો આ એક જ દિવસ એવો હોય છે જેમાં ખુદ જગતનો નાથ નગરચર્યાએ નીકળી તેના ભકતોને ઘેરબેઠા દર્શન આપે છે. રથયાત્રાને લઇ શહેરભરમાં ભારે હર્ષોલ્લાસ અને ભકિતનો માહોલ જાવા મળી રહ્યો છે. ભારતીય લોક સંસ્કૃતિનું રથયાત્રા સર્વોચ્ચ પ્રતીક છે. રથયાત્રાના અગ્રભાગમાં ૧૯ શણગારેલા ગજરાજા, ત્યારપછી ૧૦૧ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, અંગ કસરતના પ્રયોગો સાથે ૩૦ અખાડા, ૧૮ ભજનમંડળીઓ સાથે ત્રણ બેન્ડબાજાવાળા આકર્ષણનું કેન્દ્ર બનશે. સાધુ-સંતો, શ્રધ્ધાળુ ભકતો સાથે ૧૨૦૦થી ૧૫૦૦ જેટલા ખલાસી ભાઇઓ રથ ખેંચતા રહેશે.
આ રથયાત્રામાં ભાગ લેવા દેશભરમાંથી ૨૦૦૦થી વધુ સાધુ-સંતો હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્ર સહિતના સ્થાનોએથી પધારશે. રથયાત્રાના દિવસે તા.૪થી જૂલાઇએ વહેલી સવારે ૪-૦૦ વાગ્યે ભગવાનની મંગળાઆરતી કરાશે, ત્યારબાદ આદિવાસી નૃત્ય અને રાસગરબાનો પરંપરાગત કાર્યક્રમ યોજાશે. એ પછી ભગવાનના આંખે બાંધેલા પાટા ખોલવાની શા†ોક્ત વિધિ બાદ ૫-૪૫ કલાકે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને ત્રણેય રથોમાં સવાર કરાશે. સવારે ૭-૦૦ વાગ્યે પહિંદવિધિ બાદ રથયાત્રાનો શુભારંભ થશે. રથયાત્રાના દિવસે વહેલી સવારે ભગવાનને વિશિષ્ટ ભોગ ધરાવાય છે, જેમાં પરંપરા મુજબ, ખીચડી, કોળા-ગવારફળીનું શાક અને દહીં હોય છે. રથયાત્રા દરમ્યાન ૩૦ હજાર કિલોથી વધુ મગ, ૫૦૦ કિલો જાંબુ, ૩૦૦ કિલો કેરી, ૪૦૦ કિલો કાકડી અને દાડમ તથા બે લાખ ઉર્પણા પ્રસાદમાં વિતરણ કરાશે.
આ વખતની રથયાત્રામાં ભારતીય અખાડા પરિષદના સાધુ સંતો અને મહંતો ખાસ હાજરી આપશે. જેમાં ભારતીય અખાડા પરિષદના દિગ્ગજ સંતો અને કુંભમેળાના દિવ્ય સાધુ-સંતો અને મહંતો પણ હાજરી આપશે. દરમિયાન રથયાત્રાના દિવસે તા.૪થી જૂલાઇના રોજ વહેલી પરોઢે ૪-૦૦ વાગ્યે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામની પરિવારજનો સાથે મંગળા આરતી ઉતારશે. મંગળા આરતી બાદ સવારે ૪-૩૦ વાગ્યે ભગવાનને વિશિષ્ટ ભોગ(ખીચડી) ધરાવવામાં આવશે. ત્યારબાદ પાંચ વાગ્યાથી ભગવાન જગન્નાથજીને અતિપ્રિય આદિવાસી નૃત્ય અને રાસ-ગરબાની સાથે સાથે ભગવાનને આંખે બાંધેલા પાટા ખોલવાની વિધિ અને સવારે ૫-૪૫ વાગ્યે વિધિવત્ રીતે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામનો રથમાં પ્રવેશ કરાવવામાં આવશે અને સવારે ૭-૦૦ વાગ્યે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો રંગેચંગે પ્રારંભ થશે. આજે વહેલી સવારે આઠ વાગ્યે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામનો ગર્ભગૃહમાં પ્રવેશ થયો હતો. અને તેમને આંખે પાટા બાંધવાની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. સવારે ૯-૩૦એ નેત્રોત્સવ વિધિ બાદ ધ્વજારોહણ વિધિ કરવામાં આવી હતી. જે પ્રસંગે ગુજરાતના રાજયપાલ ઓમપ્રકાશ કોહલી અને મેયર શ્રીમતી બીજલબહેન શાહ ઉપસ્થિત રહ્યા હતા. સવારે ૧૦-૦૦ વાગ્યે વિશિષ્ટ પૂજા અને આરતી ત્યારબાદ સાધુ-સંતો માટે ભંડારાનુ આયોજન કરાયું હતુ.