અમદાવાદ : ઘણા લાંબા સમય બાદ અમદાવાદ શહેરમાં મેઘરાજા પધરામણી માટે થનગની રહ્યા છે પરંતુ હજુ પણ મન મૂકીને શહેરમાં વરસતા નથી. ત્રણેક દિવસ પહેલાં ઝરમર અને હળવા વરસાદ બાદ આજે ફરી એકવાર મેઘરાજાએ શહેરીજનો પર તેમની આછીપાતળી મહેર સંતાકૂકડી કરતાં વરસાવી હતી. સમગ્ર દિવસ દરમ્યાન શહેરમાં વરસાદના હળવાથી ભારે ઝાપટા નોંધાયા હતા. જેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં થોડા પાણી ભરાઇ ગયા હતા. પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં આજે વરસાદી માહોલ વચ્ચે ઝાપટાં ચાલુ રહ્યા હતા પરંતુ શહેરીજનો મેઘરાજા મન મૂકીને વરસે તેવી પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા. જો કે, આજે અમદાવાદ શહેરમાં વરસેલા હળવાથી ભારે ઝાપટાઓના કારણે વાતાવરણમાં સહેજ ઠંડક પ્રસરી હતી અને કંઇક અંશે નગરજનોને રાહત થઇ હતી. ત્રણેક દિવસ પહેલાં અમદાવાદ શહેરમાં ઝરમર અને હળવા વરસાદની પધરામણી બાદ ફરી આજે નગરમાં મેઘરાજાની પધરામણી થઇ હતી.
આજે વહેલી સવારથી જ શહેરમાં વાદળછાયુ વાતાવરણ છવાયું હતું. તો થોડી થોડી વારે સૂર્યનારાયણ પણ દેખા દેતા હતા. વહેલી સવારથી લઇ બપોરે અને સાંજના સુમારે અમુક અમુક સમયના અંતરે મેઘરાજાએ શહેરના વિવિધ વિસ્તારોમાં તેમની પધરામણી કરી હતી અને પૂર્વમાં બાપુનગર, નિકોલ, રામોલ, ઓઢવ, રખિયાલ, મણિનગર, વટવા, નારોલ સહિતના વિસ્તારોમાં તો, પશ્ચિમમમાં શહેરના એસજી હાઇવે, ઘાટલોડિયા, નવા વાડજ, પાલડી, કૃષ્ણનગર, મેમનગર, નવરંપુરા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદના હળવાથી ભારે ઝાપટા નોંધાયા હતા. જો કે, કેટલાક વિસ્તારોમાં વરસાદના ભારે ઝાપટાં પણ નોંધાયા હતા. જેના કારણે આ વિસ્તારોમાં થોડા પાણી ભરાઇ ગયા હતા. સમગ્ર દિવસ દરમ્યાન શહેરમાં વરસેલા હળવાથી ભારે ઝાપટાંઓના કારણે ગરમી અને ઉકળાટમાંથી થોડા સમય માટે નગરજનોને કંઇક રાહત અનુભવાઇ હતી પરંતુ મેઘરાજા મન મૂકીને નહી વરસતા શહેરીજનો થોડા ઉદાસ પણ થયા હતા. જો કે, લાંબા સમય બાદ વરસાદના ઝાપટાથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ હવે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની જેમ અમદાવાદમાં પણ મેઘરાજા મન મૂકીને વરસે તેવી પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા.
ભારે વરસાદના ઝાપટા દરમ્યાન કેટલાક વિસ્તારોમાં વાહનચાલકો રસ્તા પર થોડીવાર માટે હાલાકીમાં મૂકાયા હતા અને અટવાયા પણ હતા પરંતુ વરસાદી મોજ માણતા પણ જોવા મળ્યા હતા. અમદાવાદ શહેરમાં પારો ગઇકાલે બુધવારના દિવસે ૪૦.૫ રહ્યા બાદ હળવા વરસાદી ઝાપટા વચ્ચે પારો ગગડીને ૩૪.૮ સુધી નીચે પહોંચ્યો હતો જેથીઆંશિક રાહત લોકોને થઇ હતી. અમદાવાદ શહેરમાં પણ ભારે વરસાદની લોકો ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. સિઝનલ વરસાદની વાત કરવામાં આવે તો ૧૨૬.૩ મીમી સુધીનો વરસાદ થયો છે.