અમદાવાદ : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાનપણમાં ઘણા પડકારો અને મુશ્કેલીઓનો સામનો કરીને સખત મહેનત અને દ્રઢ સંકલ્પ સાથે નવી ઉંચાઇઓ હાંસલ કરી છે અને આજે દેશના વડાપ્રધાન તરીકેનું સન્માનીય પદ શોભાવી રહ્યા છે ત્યારે તેમના સંઘર્ષોમાંથી પ્રેરણા લઇને તેમના બાળપણની જીવનકથાને રજૂ કરતી સુંદર ગુજરાતી ફિલ્મ – હું નરેન્દ્ર મોદી બનવા માંગુ છું તા.૧ લી માર્ચે ગુજરાતભરમાં રિલીઝ થવા જઇ રહી છે પરંતુ નોંધનીય અને રસપ્રદ વાત એ છે કે, ફિલ્મમાં નરેન્દ્ર મોદીના બાળપણનો રોલ ભજવનાર અને તેને યાદગાર બનાવનાર ૧૨ વર્ષનો છોકરો આપણા અમદાવાદના નરોડા વિસતારનો કરણ પટેલ છે, જે ધોરણ-૮માં અભ્યાસ કરે છે. કરણ પટેલે ફિલ્મને લઇ રસપ્રદ વાતો તો કરી પરંતુ સૌપ્રથમ તેણે પુલવામાના શહીદ જવાનોને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પી આક્રોશ વ્યકત કરતાં જણાવ્યું હતું કે, આપણા વીર જવાનોની શહીદી અમર રહેશે પરંતુ મોદી સરકારે શહીદ જવાનોનો બદલો લેવા પાકિસ્તાનને કાયમ માટે યાદ રહી જાય અને ફરીથી હવે હુમલાનો વિચારસુધ્ધાં ના કરે તે પ્રકારનો જોરદાર પાઠ ભણાવવો જોઇએ.
નરોડામાં મહારથી એપાર્ટમેન્ટ ખાતે રહેતાં કરણ પટેલે જણાવ્યું કે, હું નરેન્દ્ર મોદી બનવા માંગુ છું ફિલ્મ મ્યુનિસિપલ શાળામાં અભ્યાસ કરતાં ૧૨ વર્ષના એક નાના બાળકની પ્રેરણાદાયક વાર્તા છે, જે અસંભવ સપનાને હકીકતમાં તબદીલ કરવાનો પ્રયાસ કરે છે. ગરીબી અને અભાવમાં રહેવા છતાં પણ આ બાળક ખુશ છે અને દરેક સ્થિતિનો પ્રસન્નતાપૂર્વક સામનો કરે છે. શાળામાં અભ્યાસ કર્યાં બાદ તે ચા વેચે છે અને તેની બહેન પણ આ બાળકને જીવનમાં આગળ વધવા સહયોગ અને પ્રોત્સાહન આપે છે. સખત મહેનત, જુસ્સા અને દ્રઢ નિશ્ચય દ્વારા કોઇપણ વ્યક્તિ જીવનમાં સફળ બનવાના સપના જોઇને તેને સાકાર કરી શકે છે, તે આ ફિલ્મમાં ખુબજ સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે અને તે જ ફિલ્મનો સામાજિક સંદેશો પણ છે. કરણે ઉમેર્યું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આટલો મહત્વનો રોલ કરવા મળ્યો એ બદલ હું ગૌરવની લાગણી અનુભવું છું.
મારા જીવનમાં પણ તે પ્રેરણાદાયી પુરવાર થયા છે. શ્રીઅર્થ પ્રોડક્શન અને કાવ્યા મૂવિઝ પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડ તથા પ્રોડ્યુસર પવન પોદ્દાર અને તાન્યા શર્માની ફિલ્મ હું નરેન્દ્ર મોદી બનવા માંગુ છું જેની વાર્તા એક બાળકની આસપાસ ફરે છે. બાળક ચા વેચે છે અને મોટો થઈને નરેન્દ્ર મોદી બનવા માંગે છે. આ ફિલ્મ તા.૧લી માર્ચના રોજ રિલીઝ થશે. માત્ર ૪૫ દિવસમાં જ ફિલ્મનું શુટિંગ અમદાવાદ, વડોદરા, વડનગર સહિતના સ્થળોએ પૂર્ણ કરવામાં આવ્યું છે. દરમ્યાન ફિલ્મના નિર્દેશક અનિલ નારાયણીએ જણાવ્યું કે, આ ફિલ્મ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક નથી પણ તેમના વ્યક્તિત્વથી પ્રભાવિત છે. જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાળપણમાં ખૂબજ સંઘર્ષ કર્યો અને દેશના પ્રધાનમંત્રી બન્યા. આ સંઘર્ષ કથાથી પ્રભાવિત થઈને જ આ ફિલ્મમાં એક બાળકની વાર્તા દર્શાવાઈ છે. આ ફિલ્મમાં મોદીનું બાળપણ દર્શાવાયું છે, રાજનીતિ નહી. વાર્તા પર ખૂબજ મહેનત અને રિસર્ચ કરવામાં આવ્યું છે. પ્રોડ્યૂસર પવન પોદ્દારે જણાવ્યું કે, આજે મોટાભાગના બાળકો સલમાન, શાહરૂખ જેવા એક્ટર કે સિંગર બનવા માંગે છે, જ્યારે આ બાળક મોદી જેવી હસ્તી બનવા માંગે છે. અમે આ ફિલ્મ થકી એ સંદેશ આપવા માંગે છે કે આજે પ્રત્યેક ઘરમાં એક બાળક મોદી જેવા બનવાનો નિર્ધાર કરે.
પ્રોડ્યૂસર તાન્યા શર્માએ જણાવ્યું કે, ફિલ્મમાં મોદીજીની વાર્તા એ રીતે રજૂ કરવામાં આવી છે કે જે જોઇને દર્શકો મોટીવેટ થશે. નરેન્દ્ર મોદીની આ ઈન્સ્પાયરીંગ વાર્તા દેશના દરેક નાગરીક સુધી પહોંચે તે માટે અન્ય ભાષાઓમાં પણ ડબ કરવામાં આવશે. ફિલ્મના નિર્દેશક અનિલ નારાયણીએ સ્પષ્ટ કર્યું કે, ઘણી મુશ્કેલીઓ પછી ફિલ્મને સેન્સર બોર્ડનું સર્ટિિફકેટ મળી શક્યું છે. ફિલ્મના મુખ્ય કલાકર કરણ પટેલની સાથે ઓનકાર દાસ, અનેશા સૈદય અને આરવ નાયક (છોટા મોદી) જોવા મળશે. ફિલ્મનું સંગીત રાજ ભારતે આપ્યું છે અને ગીતો આરજે રોશને લખ્યાં છે તેમજ દિવ્યા કુમારે કંઠ આપ્યો છે.