અમદાવાદ : શહેર પોલીસ લોકોની સુરક્ષાને લઈ ખાસ કરીને મહિલાઓની સુરક્ષા બાબતે સતર્ક હોવાની વાત કરે છે, પરંતુ હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે. બોડકદેવ વિસ્તારમાં જાહેર રોડ પર બે યુવકોએ પરિણીતાની છેડતી કરી હોવાનો કિસ્સો સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ છે. છાકટા અને બેફામ બનેલા આ લુખ્ખા યુવકોએ પરિણિતાની જાહેરમાં છેડતી કરી મારા બાઈક પર બેસી જા, મારો મોબાઈલ નંબર સેવ કરી લે તેમ કહી પીછો કર્યો હતો. પરિણીતાના પતિએ બંને યુવકોને ઠપકો આપતાં તેઓ તેમને પણ માર મારી ફરાર થઇ ગયા હતા. મહિલાની સુરક્ષાના ધજાગરા ઉડાવતા કિસ્સામાં વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા અને સ્ટ‹લગ કેન્સર હોસ્પિટલમાં નોકરી કરતા યુવકની પત્ની બપોરના સમયે થલતેજ પોતાના ઘરથી કામ માટે નીકળી હતી.
સિંધુભવન રોડ પર એલેન સ્કૂલ પાસે તે પહોંચી ત્યારે બાઈક પર આવેલા બે અજાણ્યા ઇસમોએ મહિલાનો મારા બાઈક પર બેસી જા, મારો મોબાઈલ નંબર લઈ લે તેમ કહી પીછો કર્યો હતો. આ બાબતે મહિલાએ તેના પતિને ફોન કરી જાણ કરી હતી, જેથી પતિએ તેને સિંધુભવન પર સ્ટ‹લગ હોસ્પિટલ આવી જવા જણાવ્યું હતું. ગભરાયેલી હાલતમાં મહિલા હોસ્પિટલ પહોંચી હતી. મહિલાનો પીછો કરતાં કરતાં બાઈક પર બે શખ્સ પણ ત્યાં આવ્યા હતા.
દરમ્યાનમાં મહિલાના પતિ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. બંને યુવકો મહિલાને ઈશારો કરતા હતા, જેથી તે બંનેને મહિલાનો પતિ ઠપકો આપવા ગયો હતો. મારી પત્નીનો પીછો કેમ કરો છો? કેમ હેરાન કરો છો? તેમ જણાવતાં બંને યુવકોએ ઉશ્કેરાઈ તેના પતિ સાથે મારામારી કરી હતી. આસપાસના લોકો અને હોસ્પિટલના સિક્યોરિટી દોડી આવતાં આ શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. આ સમગ્ર મામલે પરિણિતાના પતિએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પરંતુ આ કિસ્સા પરથી શહેરમાં હવે મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો પેદા થયા છે.