અમદાવાદ : અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને રોકવા માટે વિવિધ પગલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવી રહ્યા હોવા છતાં નવા કેસો નોંધાઈ રહ્યા છે. મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના ડિસેમ્બર મહિનામાં ૪૬ કેસ નોંધાઈ ચુક્યા છે. જ્યારે ઝેરી મેલેરિયાના ૨૭, ડેન્ગ્યુના ૧૦૨ કેસ સપાટી પર આવી ચુક્યા છે. ડિસેમ્બર ૨૦૧૭ની સરખામણીમાં ડેન્ગ્યુના કેસોમાં વર્ષ ૨૦૧૮માં વધારો થયો છે. ડિસેમ્બર મહિનામાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે હજુ સુધી ચિકનગુનિયાના કેસમાં પણ વધારો થયો છે.
ડિસેમ્બર ૨૦૧૭ની સરખામણીમાં ડિસેમ્બર ૨૦૧૮માં ૯૩૧૭૯ લોહીના નમૂનામાં તપાસ કરવામાં આવી છે. આવી જ રીતે ડિસેમ્બર ૨૦૧૭ની સરખામણીમાં ડિસેમ્બર ૨૦૧૮માં ૨૦૪૯ સિરમ સેમ્પલ લેવામાં આવ્યા છે. જુદા જુદા વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા ઉંડી તપાસ કરવામાં આવી રહી છે. હેલ્થ વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવી ચુક્યા છે.
ડિસેમ્બર ૨૦૧૮માં ૧૧૮ અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે જેમાંથી ૬૮ નમૂના પ્રમાણિક જાહેર કરાયા છે. બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો પર ચાંપતી નજર રાખવામાં આવી છે. ઝાડા ઉલ્ટીના કેસો ડિસેમ્બર મહિનામાં ૫૧૦ અને કમળાના કેસો માત્ર ૩૦ દિવસના ગાળામાં ૨૨૨ નોંધાયા છે. અલબત્ત તંત્રને મોટાભાગે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોને રોકવામાં સફળતા હાથ લાગી ચુકી છે પરંતુ હજુ ઘણા પગલા લેવા જરૂરી છે.