અમદાવાદ : સેટેલાઇટ વિસ્તારમાં આનંદનગર ચાર રસ્તા પાસેના બહુમાળી દેવ ઓરમ કોમ્પ્લેકસના એ બ્લોકમાં આવેલા ઇલેક્ટ્રિક ડકમાં ઓવરલોડિંગના કારણે ગઇકાલે ફાટી નીકળેલી આગની ભયંકર દુર્ઘટના બાદ આજે અમ્યુકોનું ફાયરવિભાગ હરકતમાં આવ્યું હતું. દેવ ઓરમ કોમ્પલેક્સના કુલ છ ટાવરમાં ફાયરવિભાગના અધિકારીઓએ ચેકીંગ હાથ ધર્યું હતું, જેમાંથી ત્રણ ટાવરોમાં તો ફાયરસેફ્ટીની એનઓસી જ નહી હોવાની ચોંકાવનારી હકીકત સામે આવતાં ફાયર વિભાગે ત્રણેય ટાવરો સીલ કરી દેવાયા હતા. ગઇકાલે પણ દેવ ઓરમ ટાવરમાં આગ લાગી ત્યારે પણ ફાયરસેફ્ટી સીસ્ટમ ચાલુ હાલતમાં જ ન હતી.
આમ, સમગ્ર મામલે ફાયરવિભાગે આકરી કાર્યવાહી કરતાં હવે શહેરની અન્ય બહુમાળી ઇમારતોમાં પણ ફાયરસેફ્ટીની એનઓસીનું ચેકીંગ હાથ ધરાય તેવી શકયતા છે. ગઇકાલે દેવ ઓરમ કોમ્પલેક્સમાં અચાનક આગ ફાટી નીકળતાં છેક નવમા માળ સુધીના કેબલ બળી ગયા હતા, જેના કારણે ગાઢ ધુમાડો ફેલાઇ જતાં સમગ્ર કોમ્પ્લેક્સમાં હાહાકાર મચી ગયો હતો. આ આકસ્મિક આગની દુર્ઘટનાના કારણે ત્રણ જણા ગંભીર રીતે દાઝ્યા હતા અને ૧પ જણાને ફાયર બ્રિગેડે અર્ધબેભાન હાલતમાં બહાર કાઢ્યા હતા. દરમ્યાન આ કોમ્પ્લેક્સની ફાયર સેફ્ટી કામ જ કરતી ન હોઇ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા દેવ ઓરમના ત્રણેય ટાવરને તાળાં મારી દેવાયાં હતાં. હવે આ તાળાં ફાયર સેફ્ટીની એનઓસી મળ્યા બાદ જ ખૂલશે.
દેવ ઓરમ કોમ્પ્લેક્સના ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગતાં છેક બેઝમેન્ટથી નવમા માળ સુધીના ઇલેક્ટ્રિક કેબલ બળી ગયા હતા. ફાયર બ્રિગેડ દ્વારા ચાર ફાયર ફાઇટર, ચાર વોટર ટેન્કર અને સ્નોરકેલ મળીને ૧ર વાહનોની મદદથી આગ પર કાબૂ મેળવાયો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ આગમાં ફસાયેલા ૧૦૦ લોકોને સહી-સલામત બહાર કાઢ્યા હોવા છતાં બે મહિલા સહિત ત્રણ જણા ગંભીર રીતે દાઝી જતાં તેમને સોલા સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા. સમગ્ર મામલામાં તપાસ દરમ્યાન એવી પણ વાત બહાર આવી હતી કે, દેવ ઓરમ કોમ્પ્લેક્સમાં બીયુ પરમિશન મળ્યા બાદ ઘણાં ફેરફાર કરાયા હતા. તેના કારણે ધુમાડો બહાર નીકળી ન શકે તેવી સ્થિતિ સર્જાઇ હતી તેમજ ફાયર સિસ્ટમ ચાલુ હાલતમાં ન હતી. આ બિલ્ડિંગમાં ૧૦ માળના કુલ ત્રણ ટાવર હોઇ તેમાંની ૪૮ દુકાન અને ર૮૦ ઓફિસ સહિત કુલ ૩ર૮ યુનિટને ફાયર સેફટી એનઓસીના મામલે તાળાં મરાયાં હતાં. હવે આ તાળાં તંત્રની ફાયર સેફટીની એનઓસી મળ્યા બાદ જ ખૂલશે.