અમદાવાદ : રાજ્યમાં સુરતની ઘટના બાદ ફાયર સેફ્ટીને લઇ રાજય સરકાર સફાળી જાગી છે. દર વર્ષે આગના બનાવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ૨૦૧૭-૨૦૧૮માં રાજ્યમાં ૭૩૩૦ જેટલા આગના બનાવ બન્યાં હોવાનું સામે આવ્યું છે, જેમા સૌથી વધુ આગ બનાવો અમદાવાદ શહેરમાં બન્યાં છે. ૨૦૧૭-૧૮માં કરોડ રૂપિયાની મિલકતોનું નુકસાન થયું છે. આમ જોવા જઇએ તો રાજ્યમાં દરરોજ ૨૧ થી વધુ આગના બનાવો બને છે, જે લગભગ ફાયરવિભાગ કે તંત્રની જાણમાં હોય. આમ ટકાવારીની દ્રષ્ટિએ જોઇએ તો, ગુજરાતમાં બનેલા આગના બનાવોમાં ૩૧ ટકાથી વધુ બનાવો તો અમદાવાદ ફાયર વિભાગમાં નોંધાયા છે. જ્યારે ૨૦૧૮-૧૯માં મળેલા ફાયર કોલ મુજબ ૨૧૨૩ જેટલા આગના કોલ મળ્યા છે.
૨૦૧૭-૧૮માં અમદાવાદમાં સૌથી વધારે બનાવોની વાત કરીએ તો નવરંગપુરા ફાયર સ્ટેશન વિસ્તારમાં આગના બનાવ નોંધાયા છે. અમદાવાદ શહેર સહિત રાજયભરમાં નહી નોંધાતી આગની દુર્ઘટના કે બનાવો પાછા અલગ હોય છે. જા કે, આવી આગ આમ તો, સામાન્ય કે નગણ્ય હોય છે. બીજીબાજુ, તંત્ર દ્વારા નોંધ લેવાય છે અને ફાયરવિભાગ આગ બુઝાવવા દોડતુ થયું હોય તેવી આગની દુર્ઘટનાઓમાં કરોડોનું નુકસાન પણ નોંધાયું છે. વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન રાજ્યમાંથી કુલ ૧૯૩ લોકોને બચાવી લેવાયા હતા, જ્યારે ૯૯ લોકોના મોત નીપજ્યાં છે. અમદાવાદ શહેરમાં ૨૦૧૭-૧૮ ના વર્ષ દરમિયાન બનેલી આગની ઘટનામાં પ્રજાને ૬૯.૨૦ કરોડનું નુકસાન થયું હતું અને ૩૫ જણાં જીવતાં ભુંજાયા હતા.
જો કે ફાયરબ્રિગ્રેડે ૯૬ જણાંને રેસ્કયુ કરીને ૮૩.૭૭ કરોડની માલ-મિલકત બચાવી હતી. રાજ્યની સૌથી સારી ફાયર ટીમની કામગીરી અમદાવાદ ફાયર વિભાગમાં જોવા મળી છે. અમદાવાદ ફાયરબ્રિગેડ પાસે લોકોને રેસ્ક્યુ કરવા, આગ બુઝાવવાના અતિ આધુનિક સાધનો છે.
અમદાવાદ ફાયર ટીમનો ક્વિક રિસ્પોન્સ ટાઇમ પણ ૧૦-૧૫ મિનિટનો છે. આમ, રાજયભરમાં અમદાવાદ ફાયરબ્રિગેડ અને તેના જવાનો એકદમ એકટીવ અને એલર્ટ હોવાની વાત સામે આવી છે ત્યારે અમદાવાદ ફાયરબ્રિગેડના જવાનો વધુ ઉત્સાહ અને અસરકારકતા સાથે કાર્ય કરવા પ્રેરિત થયા છે.