અમદાવાદ : તા.૧લી એપ્રિલ,૨૦૧૯થી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર મુસાફરી કરનારા વાહનચાલકોને વધારે ટોલ ટેક્સ ચુકવવો પડશે. આ અંગે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી જાહેરાત કરવામાં આવી છે. ટોલટેક્સમાં વધારાની જાહેરાતને પગલે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર મુસાફરી કરનારા લોકોમાં નારાજગીની લાગણી ફેલાઇ હતી. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નવા દરોની વાત એક કરીએ તો, વડોદરાથી આણંદ વચ્ચે મોટરકારની ફીમાં રૂપિયા પાંચનો વધારો કરવામાં આવ્યો છે. વડોદરાથી અમદાવાદ કે અમદાવાદથી વડોદરાની ફીમાં રૂપિયા ૧૦નો વધારો કરાયો છે.
એક અંદાજ પ્રમાણે દરરોજ ૫૦ હજાર જેટલા વાહનો એક્સપ્રેસ વે પરથી પસાર થાય છે. અમદાવાદ-વડોદરા વચ્ચે ટોલ ટેક્સ વધારવામાં આવ્યા બાદ હવે એસ.ટી. તરફથી બસના ભાડામાં પણ વધારો કરવામાં આવે તેવી શક્યતાઓ છે. અમદાવાદથી વડોદરા માટે હવે કાર, જીપ કે વાન માટે રૂપિયા ૧૦૫ના બદલે રૂપિયા ૧૧૦ ચુકવવા પડશે. રિટર્ન ટોલ ટેક્સ ભરનાર વાહનચાલકે હવે રૂપિયા ૧૫૫ના બદલે રૂપિયા ૧૬૦ ચુકવવા પડશે. કાર જીપ ઉપરાંત અન્ય વાહનાનો દરમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જે પ્રમાણે બસ અને ટ્રક માટે પહેલા રૂપિયા ૩૫૦ ટેક્સ ચુકવવો પડતો હતો, હવે તેમણે રૂપિયા ૩૬૫ ચુકવવા પડશે. આમ, એક્સપ્રેસ વે પર મુસાફરી કરનારા લોકોની મુશ્કેલીમાં વધારો થતાં તેઓમાં ભારે નારાજગીની લાગણી પ્રસરી હતી.