અમદાવાદઃ શહેરની જાણીતી સામાજિક સંસ્થા ડ્રીમ ફાઉન્ડેશનના વાર્ષિક સમારોહની ઉજવણી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે કરવામાં આવી હતી. આ સમારોહમાં વિવિધ અગ્રણી સંસ્થાઓના સંસ્થાપકો અને કાર્યકરોની ઉપસ્થિતિથી કાર્યક્રમને સામાજિક એક્તાથી જોડી દીધું હતુ.
ડ્રીમ ફાઉન્ડેશનના વાર્ષિક સમારોહમાં સામાજિક ક્ષેત્રે જાણાતા યુએસએ સ્થિત બિપીનભાઈ પટેલ, બાયડ સ્થિત જય અંબે મંદબુદ્ધિ મહિલા આશ્રમના પ્રમુખ અશોકભાઈ જૈન તેમજ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર રૂપેશભાઈ મકવાણા સહિત શહેરની અગ્રણી સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા અને કાર્યક્રમની શોભા વધારી હતી.
ડ્રીમ ફાઉન્ડેશનના ફાઉન્ડર નિરવ શાહે સમગ્ર વર્ષ દરમિયાન સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓની વિગતે રૂપરેખા આપી હતી અને આવનાર વર્ષમાં યોજાનારા પ્રોજેક્ટ્સ વિશે માહિતી આપી હતી. સંસ્થા દ્વારા ચલાવવામાં આવતા વિવિધ પ્રોજેક્ટ થકી સમાજીક કાર્યોને વધુ પાકટ બનાવી છેવાડાના વ્યક્તિ સુધી પહોંચડી શકાય તે માટે ઉપસ્થિતોને આહ્વાન કર્યું હતુ. આ સમયે એક છત હેઠળ અનેક સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો એકત્ર થઈ સામાજિક પ્રવૃત્તિને વેગવંતી બનાવવાના આહ્વાનને સૌ કોઈએ હર્ષોલ્લાસથી ઝીલી લેતા અદભૂત સકારાત્મક વાતાવરણ સર્જાયું હતુ.
આ ઉપરાંત, અન્ય આમંત્રિત મહેમાનોમાં પ્રયાસ ફાઉન્ડેશનના પ્રાચીબેન ગોવિલ, હેતલબેન પરીખ, મૈત્રી ફાઉન્ડેશનના સભ્યો, ઉમંગ સેવા ટ્રસ્ટના સરફરાજ મન્સુરી, જાણીતા ડૉ. નુપૂર પટેલ, આઇ સ્પેશ્યાલિસ્ટ ડૉ. બ્રિન્દ્રા શાહ, પ્રો. ઝંખના મહેતા , અભિનેત્રી મનિષા ત્રિવેદી, સહિત 150થી વધુ લોકો ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રસંગે ડ્રીમ ફાઉન્ડેશનના વોલેન્ટિયર, સપોર્ટર્સ તેમજ ફાઉન્ડેશનને મદદગાર એવા દાતાશ્રીઓનું આમંત્રિત મહેમાનોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું.