અમદાવાદ : ત્રીજા રાઉન્ડમાં શહેરમાં ૧૩૨૨ દબાણો દૂર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ :  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગઈકાલથી જાહેર રસ્તા પરનાં દબાણને હટાવવાની શહેરભરમાં ઝુંબેશ હાથ ધરાઈ છે. તંત્રની દબાણ હટાવો ઝુંબેશના ત્રીજા રાઉન્ડ હેઠળ રસ્તા પરનાં ૧૩૨૨ દબાણ દૂર કરાતાં દબાણકર્તાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. હાઈકોર્ટના આદેશના પગલે ટ્રાફિક નિયમનના ભાગરૂપે તંત્ર દ્વારા ગત ઓગસ્ટ માસમાં જાહેર રસ્તા પરનાં દબાણ હટાવવાનો પહેલો રાઉન્ડ હાથ ધરાયો હતો, જોકે તે વખતે તંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ દબાણ હટાવવામાં ભેદભાવ કરતા હોવાનો ગંભીર આક્ષેપ ઊઠતાં કમિશનર વિજય નેહરાના આદેશથી ઝુંબેશને સ્થગિત કરાઈ હતી. ત્યાર બાદ ઓક્ટોબરના પ્રારંભમાં બીજો રાઉન્ડ શરૂ કરાયો હતો, પરંતુ બીજા રાઉન્ડમાં પણ નવરાત્રી અને દિવાળીના તહેવારોના કારણે બ્રેક મારવી પડી હતી.

પરંતુ હવે સ્ટેન્ડિંગ કમિટીના અમૂલ ભટ્ટની સૂચનાથી ગઈ કાલથી પુનઃ દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાઈ છે. અગાઉ ખસેડાયેલાં દબાણ ફરીથી શરૂ થતાં રોષે ભરાયેલા નાગરિકો માટે રસ્તા પરની ટ્રાફિકની અવરજવરને સરળ બનાવવા અમૂલ ભટ્ટે સત્તાવાળાઓને તાકીદ કરતાં તમામ ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારીઓમાં દોડધામ મચી છે. પશ્ચિમ ઝોનમાં સીજીરોડ પરિમલપાર્ક વિસ્તાર, આશ્રમરોડ પરનો વી.એસ. હોસ્પિટલ વિસ્તાર, વિસત સર્કલથી ચાંદખેડા-મોટેરા-કોટેશ્વર રોડ, પશ્ચિમ ઝોનમાં એસ.જી. હાઈવે, સિંધુ ભવન રોડ, ચાણક્યપુરી રોડ, ઘાટલોડિયા વોર્ડ અને ચાંદલોડિયા વોર્ડ, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ઉજાલા સર્કલથી શાંતિપુરા સર્કલ સુધીની ટીપી સ્કીમની અમલવારી તેમજ વેજલપુર ગામ, વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગથી મકરબા ક્રોસિંગ, ૧૩૨ ફૂટ રિંગ રોડ, ઈસ્કોન-શિવરંજની રોડ, મધ્ય ઝોનમાં સારંગપુર સર્કલ, ઉત્તર ઝોનમાં ઈન્ડિયા કોલોની અને નરોડા રોડ વોર્ડ, દક્ષિણ ઝોનમાં લાંભા વોર્ડ તેમજ મણિનગર રેલવે સ્ટેશનથી પુષ્પકુંજ કાંકરિયા, પૂર્વ ઝોનમાં રખિયાલ ચાર રસ્તાથી અનુપમ સિનેમા, ઠક્કરનગરથી જશોદાનગર ચાર રસ્તા, ગોમતીપુર પોલીસ સ્ટેશનથી ઉષા ટોકિઝ થઈ લાલ મિલ ચાર રસ્તા સુધીનાં દબાણને દૂર કરાયાં હતાં. અમ્યુકો તંત્રના આ સપાટાને પગલે સ્થાનિક રહીશો ખાસ કરીને દુકાનદારો, વેપારીઓમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી.

Share This Article