અમદાવાદ : જો કોઈ અજાણી વ્યક્તિ તમારી પાસે આવીને કહે કે તમારી ગાડીમાંથી ઓઇલ ટપકે છે તો ધ્યાન રાખજો, કારણ કે ગાડીમાંથી ઓઈલ ટપકે છે તેમ કહીને ગાડીમાં રહેલી રોકડ તેમજ ચીજવસ્તુઓની ચોરી કરતી ગેંગ શહેરમાં સક્રિય બની છે. આ ગેંગના સાગરિતોએ છેલ્લા દસ દિવસમાં ચાર લોકોને ટાર્ગેટ બનાવી હતી અને તેઓની પાસેથી રોકડ રકમ અને લેપટોપ, જરૂરી દસ્તાવેજો વગેરેની ચોરી કરતાં ભારે ચકચાર મચી ગઇ છે. શહેરના વિવિધ વિસ્તારમાં આ પ્રકારના બનાવો પોલીસ મથકો સુધી નોંધાતા હવે પોલીસે પણ આ ગેંગના આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
બે દિવસ પહેલાં રાતે જજીસ બંગલા રોડ પર બે યુવકો એક વ્યક્તિને ગાડીના એન્જિનના આગળના ભાગે ઓઈલ ટપકે છે તેમ કહીને ગાડીમાં રહેલ લેપટોપ બેગ લઇ ફરાર થઇ ગયા હતા. વસ્ત્રાપુર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શહેરના આંબાવાડી અને રામોલ બાદ બોડકદેવ વિસ્તારમાં ગાડીમાંથી ઓઈલ ટપકે છે તેમ કહી ચોરી કરતી ગેંગે તરખાટ મચાવ્યો હતો. તો, જગતપુર ગોદરેજ ગાર્ડન સિટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા ચંદ્રેશભાઇ શાહ (ઉ.વ.૪૦) ગુરુવારે રાતે કાર લઇ ઘરે જવા નીકળ્યા હતા. બોડકદેવ જજીસ બંગલા પાસે તેઓ પહોંચ્યા ત્યારે પત્નીનો ફોન આવતા કાર સાઈડમાં ઊભી રાખીને વાત કરતા હતા. દરમ્યાનમાં બે અજાણ્યા શખ્સ તેમની પાસે આવ્યા હતા.
જેમાંથી એક શખસે ચંદ્રેશભાઈને જણાવ્યું હતું કે ગાડીના એન્જિનના આગળના ભાગે ઓઈલ ટપકે છે. બીજી વ્યક્તિ ત્યાંથી નીકળતાં ચંદ્રેશભાઈએ તેને પૂછ્યું હતું કે ઓઇલ ટપકે છે? તો તેણે હા કહ્યું હતું, જેથી તેઓ કારમાંથી નીચે ઊતરીને એન્જિન પાસે જોવા ગયા હતા. દરમ્યાનમાં અન્ય શખ્સ કારની પાછળના ભાગે મૂકેલી લેપટોપ બેગ ,જેમાં લેપટોપ, જરૂરી દસ્તાવેજો અને બેન્ક લોકરની ચાવી હતી તે લઇ ફરાર થઇ ગયો હતો. વસ્ત્રાપુર પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે શહેરના પશ્ચિમ અને પૂર્વ બંને વિસ્તારમાં આ ગેંગે તરખાટ મચાવ્યો છે, પરંતુ સ્થાનિક પોલીસે કે ક્રાઈમ બ્રાન્ચની ટીમ હજુ સુધી આરોપીઓ પહોંચી શકી નથી. જા કે, આ બનાવોની ગંભીરતા સમજી કારચાલક નાગરિકોએ સાવધ રહેવાની જરૂર છે. હાલ તો, પોલીસે આ ગેંગના સાગરિતોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.