અમદાવાદ : બોપલ વિસ્તારમાં આવેલા ન્યૂયોર્ક દર્શન કોમ્પ્લેક્સમાં વકીલની ઓફિસમાં તસ્કરો ત્રાટકી ક્લાયન્ટના દસ્તાવેજના અને ફીના કુલ રૂ. પાંચ લાખની રોકડરકમની ચોરી કરી ફરાર થઇ ગયા હોવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ સમગ્ર બનાવ અંગે એડવોકેટ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતાં બોપલ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ સાઉથ બોપલના સફલ પરિસરમાં રહેતા મંથન રાવલ વકીલાત કરે છે. બોપલ વિસ્તારમાં આવેલા ન્યૂયોર્ક દર્શન કોમ્પ્લેક્સમાં તેમની ઓફિસ આવેલી છે. મંગળવારે રાતે મંથન અને તેમના ત્યાં કામ કરતા બે વ્યક્તિ સાડા આઠે દુકાન બંધ કરી અને ઘરે ગયા હતા. બીજા દિવસે સવારે બાજુમાં આવેલી હેર કટિંગની દુકાનના માલિકે મંથનને ફોન કરી જાણ કરી હતી કે, તમારી ઓફિસનું અડધું શટર ખુલ્લું છે, જેથી મંથને તાત્કાલિક ઓફિસે પહોંચી તપાસ કરતાં ટેબલનું ડ્રોઅર ખુલ્લું હતું.
ડ્રોઅરમાં તેમના ચાર ક્લાયન્ટના દસ્તાવેજ કરવાના અને ફીના કુલ રૂ. ૪.૯૦ લાખ ગાયબ હતા. કોઈ અજાણી વ્યક્તિ મોડી રાતે ઓફિસનું શટર ઊંચું કરી અંદર પ્રવેશ કરી રૂ. ૪.૯૦ લાખ રોકડની ચોરી કરી ફરાર થઇ ગઈ હતી. બોપલ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જા કે, આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ખાસ કરીને સ્થાનિક લોકોમાં ભારે ચકચાર મચી ગઇ હતી.