અમદાવાદ: શહેરમાં સોનીની ચાલી પાસે આવેલી ડાયમંડ મશીન ટૂલ્સની દુકાનની બહાર રૂ.૧પ લાખની લૂંટ થવાને હજુ ગણતરીના કલાકો પૂરા નથી થયા ત્યાં તો, ગઇકાલે મોડી રાતે શહેરના શાહીબાગ વિસ્તારમાં એક વેપારી પાસેથી બાઇક પર આવેલા બે શખ્સો આઠથી દસ લાખ રૂપિયા છીનવીને લઇ જતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે. બનાવને પગલે વેપારીએ શાહીબાગ પોલીસ મથકમાં આરોપી શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે, શાહીબાગ વિસ્તારમાં આવેલ મલ્લીનાથ કોમ્પ્લેક્સમાં રહેતા અને ગાંધીરોડ પર ઇલેટ્રોનિક્સની દુકાન ધરવાતા વિક્રમભાઇ જૈન, તેમના પિતા લાલચંદભાઇ અને ભત્રીજો અવીન ગઇકાલે દુકાન બંધ કરીને રિક્ષામાં બેસીને ઘેર આવ્યા હતા. વિક્રમભાઇ પાસે દુકાનનો થોડોક સામાન હતો અને આઠથી દસ લાખ રૂપિયા ધંધાના હતા, જે તેમણે એક થેલામાં મૂક્યા હતા. રિક્ષાચાલકે તેની રિક્ષા મલ્લીનાથ કોમ્પ્લેક્સની બહાર ઊભી રાખી હતી, જેમાં વિક્રમભાઇ અને અવીન સામાન અને રૂપિયા ભરેલી બેગ લઇને લિફ્ટ પાસે ગયા હતા જ્યારે વિક્રમભાઇના પિતા લાલચંદભાઇ રિક્ષાચાલકને ભાડું આપતા હતા. વિક્રમભાઇ અને અવીન લિફ્ટ પાસે પહોંચ્યા ત્યારે ગણતરીની સેકન્ડોમાં કોઇ અજાણ્યો યુવક બન્ને જણાની નજર ચૂકવીને રૂપિયા ભરેલી બેગ લઇને ભાગ્યો હતો. વિક્રમભાઇ અને અવીન પણ તેને પકડવા માટે દોડ્યા હતા
જોકે કોમ્પ્લેક્સની બહાર યુવકનો સાગરીત બાઇક લઇને ઊભો હતો. વિક્રમભાઇ અને અવીનના હાથમાં યુવક આવે તે પહેલાં તેઓ બાઇક પર બેસીને ફરાર થઇ ગયા હતા. અવીન તેનો પીછો કરતાં કરતાં જમીન પર પડી ગયો હતો, જેથી તેને સામાન્ય ઇજા પણ પહોંચી હતી. વિક્રમભાઇએ તાત્કાલિક પોલીસ કંટ્રોલમાં ફોન કરીને જાણ કરી હતી. લૂંટના સમાચાર મળતાંની સાથે પોલીસની ટીમ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
બાઇક પર લૂંટ કરવા માટે આવેલા બે શખ્સ વિરુદ્ધમાં શાહીબાગ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. વિક્રમભાઇની દુકાનમાં ૧પ કરતાં વધુ કારીગર કામ કરે છે જ્યારે મોડી રાતે તેઓ ધંધામાં આવેલા લાખો રૂપિયા લઇને રિક્ષામાં ઘરે જાય છે. ચોરી કરવા માટે આવેલા યુવકોએ પ્લાનિંગ કરીને ઘટનાને અંજામ આપ્યો હોવાનું અને આ ઘટનામાં કોઇ જાણભેદુ તો સંડોવાયેલો નથી ને તે દિશામાં પોલીસે તપાસનો દોર આરંભ્યો છે.