અમદાવાદઃકાયદાનો રક્ષક જ ભક્ષક બને ત્યારે સામાન્ય માણસ કોને ફરિયાદ કરે. શહેરના વસ્ત્રાપુર સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મોહીત પારેખ સામે મિત્રની પત્ની પર દુષ્કર્મ કરવાની ફરિયાદ નોંધાતા સમગ્ર પોલીસતંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે, તો સભ્ય સમાજમાં આરોપી કોન્સ્ટેબલ પરત્વે ફિટકારની લાગણી વરસી રહી છે.
ચકચારભર્યા આ બનાવ અંગે ઘાટલોડિયા પોલીસે વસ્ત્રાપુર પોલીસ મથકના આરોપી કોન્સ્ટેબલ વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચોંકાવનારી વાત તો એ છે કે, વસ્ત્રાપુર પોલીસમથકના આરોપી પોલીસ કોન્સ્ટેબલે મહિલાને પતિ સાથે સમાધાન કરાવવાના બહાને બોલાવીને હોટલમાં લઇ ગયો હતો અને ત્યાં તેણીની સાથે સાથે દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહી, આ સંબંધોને પગલે આરોપી કોન્સ્ટેબલ પીડિતાને બ્લેકમેઇલ કરી વોટ્સએપ પર તેણીના નગ્ન ફોટો પણ મંગાવતો હતો. આ દરમિયાન આરોપીએ પીડિતા પર શહેરની ભાગ્ય હોટલમાં પાંચથી છવાર દુષ્કર્મ આચર્યું હતું.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે,વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મોહીત પારેખે તેના મિત્રની પત્નીને લગ્નજીવનની તકરારના સમાધાનના બહાને પોતાના દુષ્કર્મના ચક્રવ્યૂહમાં ફસાવી હતી. આ કેસના સમાધાન માટે આરોપી કોન્સ્ટેબલ અને પીડિતા વચ્ચે ફોન પર વાતચીત થતી હતી, તે દરમિયાન કોન્સ્ટેબલે મહિલાને હોટલમાં જઇને સમાધાન કરવા માટે કહ્યું હતું. આ મહિલાએ કેસમાં સમાધાન થઇ જશે તેવા ઉમદા આશયથી કોન્સ્ટેબલ સાથે ગઇ હતી. પરંતુ આરોપી કોન્સ્ટેબલે મહિલાની મજબૂરીનો ફાયદો ઉઠાવીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ પીડિતા પર પાંચથી છ વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલું જ નહી, આ વાતને લઇ આરોપી કોન્સ્ટેબલ પીડિતાને બ્લેકમેઇલ કરી તેની પાસે વોટ્સઅપ પર તેણીના નગ્ન ફોટા મંગાવતો હતો, જેને પગલે આખરે કંટાળીને પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ઘાટલોડિયા પોલીસે સમગ્ર મામલેવસ્ત્રાપુર પોલીસ મથકના આરોપી કોન્સ્ટેબલ મોહિત પારેખ વિરૂધ્ધ જરૂરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જો કે, આ ઘટનાને પગલે સમગ્ર પોલીસ તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે, તો બીજીબાજુ, સભ્યસમાજમાં આરોપી કોન્સ્ટેબલના અત્યંત ઘૃણાસ્પદ કૃત્યને લઇ ફિટકાર વરસી રહ્યો છે.
 


 
                                 
                              
		 
		 
		 
		 
		 
		 
		