વયોવૃદ્ધ મહિલા સાથે હલકા અમાનવીય વર્તનથી ચકચાર

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ : શહેરમાં એકલવાયું જીવન જીવતા સિનિયર સીટીઝનની સુરક્ષાના પોકળ દાવાને ખુલ્લો પાડતો એક કિસ્સો અખબારનગર સર્કલ ખાતેની એક સોસાયટીમાં બન્યો છે. જ્યાં પોલીસે ખુદ એક વૃદ્ધા સાથે અત્યંત હલકુ, શરમજનક અને અમાનવીય વર્તન કરીને ઇજા પહોંચાડતાં ભારે ચકચાર મચી ગઇ છે.  મહિલા પોલીસ કર્મચારીએ ૮૫ વર્ષીય વૃદ્ધ મહિલાને હાથ મચેડીને ઘસડતાં તેમને ફ્રેક્ચર થઇ ગયુ હતુ. આઘાતજનક વાત તો એ છે કે, આ વયોવૃધ્ધ મહિલાએ પોલીસ કંટ્રોલમાં પોલીસના આ અમાનવીય વર્તન અંગે ફોન કરતાં પોલીસ કંટ્રોલે પણ પોલીસની સામેની ફરિયાદ હોવાથી વાત સાંભળી ન હતી અને આખરે વયોવૃધ્ધ મહિલાને પોલીસ કમિશનરદેતાં મામલો પોલીસ કંટ્રોલરૂમ સુધી પહોંચ્યો હતો.

નવા વાડજના અખબારનગર સર્કલ ખાતે વંદનાપાર્ક સોસાયટીમાં ૮૫ વર્ષિય કાન્તાબહેન અંબાલાલ પટેલ અને તેમની ૫૦ વર્ષીય પુત્રી સુનીતાબહેન પટેલ રહે છે અને ઘરકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. અંદાજે ૨૦ વર્ષથી બન્ને જણા તેમનાં બંટ્ઠગલામાં એકલાં રહે છે. તેમના બંગલાની બાજુમાં એક ખુલ્લો પ્લોટ વિવાદોમાં સંપડાયો છે. આ પ્લોટમાં વાલુભાઇ ભરવાડ (રહે પુરુષોતમ નગર, નવા વાડજ) ગેરકાયદે કબજો કરવાની કોશિશ કરી હતી. જેમાં સોસાયટીના રહીશોએ વાંધો ઉઠાવ્યો હતો. ગેરકાયદે કબજો કરવા બાબતે કાન્તાબેનની પુત્રી સુનીતાબહેને ૧૫ વર્ષ પહેલા કોર્ટમાં સિવિલ દાવો દાખલ કર્યો હતો. સિવિલ દાવો હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે, ત્યારે વાલુભાઇએ ફરીથી પ્લોટમાં ધૂસણખોરી કરવાની કોશિશ કરતાં કોર્ટે સ્ટે આપ્યો હતો. શનિવારે કાન્તાબહેન અને સુનીતાબહેન ઘરે હાજર હતાં ત્યારે વાડજ પોલીસ સ્ટેશનથી મહિલા પોલીસ સહિત દસ જેટલા પોલીસ કર્મચારીઓ તેમના ઘરે પહોંચી ગયાં હતાં.

મહિલા પોલીસ કર્મચારીએ કાન્તાબહેન તેમજ સુનીતાબહેનને પોલીસ સ્ટેશનમાં લઇ જવા માટેનું દબાણ કર્યુ હતું. વાલુભાઇએ વાડજ પોલીસ સ્ટેશનમાં સુનીતાબહેન અને કાન્તાબહેન વિરુદ્ધમાં ફરિયાદ કરી હોવાથી પોલીસ તેમની અટકાયત કરવા માટે તેમના ઘરે પહોંચી હતી. કાન્તાબહેનની તબીયત સારી નહીં હોવાથી અને તેમને તાવ આવતો હોવાથી સુનીતાબહેને પોલીસ સ્ટેશનમાં આવવાની ના પાડી દીધી હતી અને જવાબ લઇને જતાં રહેવાનું કહ્યું હતું. પોલીસ સ્ટેશનમાં આવવા મામલે પોલીસ કર્મચારી અને સુનીતાબહેન તેમજ કાન્તાબહેન વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં મહિલા પોલીસે બન્ને જણાને જબરજસ્તી પોલીસ સ્ટેશનમાં લઇ જવાની કોશિશ કરતાં હાથ પકડીને ઢસડયા હતાં. પોલીસે સુનીતાબહેનને હાથ પકડીને ઘસડ્‌યાં અને કાન્તાબહેનને પણ હાથ પકડીને ખેંચતા તેમને ફ્રેકચર તેમજ અન્ય ઇજા પણ પહોંચી હતી.

કાન્તાબહેનના ઘરમાં બુમાબુમ થઇ જતાં સોસાયટીના રહીશો પણ ભેગા થઇ ગયા હતા.  સુનીતાબહેને તેમના વકીલ સાથે વાતચીત કરાવતાં પોલીસ કર્મચારીઓ ત્યાંથી જતા રહ્યા હતા. પોલીસ કર્મચારીઓએ કરેલા વર્તનને લઇને સુનીતાબહેને પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો. પોલીસ કંટ્રોલરૂમથી કોઇ પણ પ્રકારનો યોગ્ય જવાબ નહીં મળતાં સુનીતાબહેન કાન્તાબહેનને લઇને પોલીસ કમિશનર કચેરીમાં પોલીસ કંટ્રોલરૂમમાં પહોંચી ગયાં હતાં. જ્યાં કાન્તાબહેન લેખિતમાં ફરિયાદ આપી હતી. જા કે, ખુદ પોલીસ દ્વારા જ શહેરના સીનીયર સીટીઝન સાથે આવો હલકી માનસિકતાવાળો વ્યવહાર થશે અને રક્ષક જ ભક્ષકની ભૂમિકા ભજવશે તો, લોકોનો વિશ્વાસ પોલીસ પરથી ઉઠી જશે તે પોલીસે સમજી લેવાની જરૂર છે અને આવનારા સમયમાં પોલીસતંત્રને તેના પરિણામો પણ જનઆક્રોશના સ્વરૂપમાં ભોગવવા પડે તેનો આ સંકેત છે.

Share This Article