નવા બાપુનગરમાં ડબા ટ્રેડીંગનો પર્દાફાશ : ત્રણ લોકોની ધરપકડ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ :  શહેરના નવા બાપુનગર વિસ્તારમાં આવેલા એક ફ્‌લેટમાં ગેરકાયદે ચાલી રહેલ ડબ્બા ટ્રેડિંગનો શહેર ક્રાઇમબ્રાંચે પર્દાફાશ કર્યો હતો અને ત્રણ લોકોની ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર બહારગામ ગયો હોવાથી તે પોલીસના સંકજામાંથી બચી ગયો હતો.

જા કે, પોલીસ તેને ટૂંક સમયમાં જ ઝડપી લે તેવી શકયતા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે,  સેબીનું લાઇસન્સ લીધા વગર ચારેય જણા ગેરકાયદે શેરની લે-વેચ કરીને ડબ્બા ટ્રેડિંગ કરતા હતા. ક્રાઇમ બ્રાંચે લેટરપેડ પર લખેલા કરોડો રૂપિયાના વ્યવહાર સહિતના ડોક્યુમેન્ટ કબજે કર્યા છે જ્યારે લેપટોપ અને મોબાઇલ પણ જપ્ત કર્યા છે. ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ બી.પી. દેસાઇ અને તેમની ટીમને બાતમી મળી હતી કે સૂર્યકાંત ઉર્ફે વિક્કી સુશીલચંદ્ર ગુપ્તા નવા બાપુનગર ખાતે આવેલા તેમના મકાનમાં ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ કરી રહ્યા છે.

બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમના પીએસઆઇ બી.પી.દેસાઇ, એએસઆઇ દિલીપકુમાર, હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇ સહિતની ટીમે નવા બાપુનગર ખાતે આવેલા વૈશાલી ફ્‌લેટમાં દરોડા પાડ્‌યા હતા. દરોડા દરમિયાન ક્રાઇમ બ્રાંચની ટીમને ઘટનાસ્થળ પરથી કેતન ધીરુભાઇ રાઠોડ, હિતેશભાઇ ગોયલ, સુનીલભાઇ ગુપ્તાની ધરપકડ કરી  હતી. ભારત સરકારને આર્થિક નુકસાન થાય તે હેતુથી ચારેય જણા છેલ્લા ઘણા સમયથી ડબ્બા ટ્રેડિંગ કરી રહ્યા હતા. મુખ્ય આરોપી સૂર્યકાંત પાસે સ્ટોક એક્સચેન્જનું લાઇસન્સ નથી. લાઇસન્સ વગર તે ગેરકાયદે શેરના લે-વેચનો ધંધો કરીને અને હવાલો કરતા હતા. ભારત સરકારને તેમજ સિક્યોરિટી ટ્રાન્જેકશનને લગતા કોઇ પણ પ્રકારના ટેક્સ ભર્યા વગર શેરની લે-વેચની પ્રવૃત્તિ કરતા હોવાનું બહાર આવ્યું હતું.  ક્રાઇમ બ્રાંચે કુલ ૧.૬૪ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ચારે શખ્સોની ધરપકડ કરીને નાણાકીય વ્યવહાર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. એક અંદાજ પ્રમાણે લાખો રૂપિયાનું ટનઓવર સૂર્યકાંત કરતો હોવાનું ક્રાઇમ બ્રાંચ કહી રહી છે. કોઇ પણ લાઇસન્સ વગર શેરબજારનું ટ્રેડિંગ કરવું તે ગેરકાયદે છે. સૂર્યકાંત છેલ્લા ઘણા સમયથી આ ધંધો ચલાવતો હતો. પોલીસે જપ્ત કરેલા હિસાબમાં કરોડો રૂપિયાનું ટ્રાન્જેક્શન સામે આવે તેવી શક્યતા છે અને જે ડબ્બા ટ્રેડિંગમાં ઇન્વોલ્વ છે તેમનાં પણ નામ સામે આવે તેવી શક્યતા છે.

 

Share This Article