અમદાવાદ : અમદાવાદ શહેર અને રાજ્યમાં આજે છઠ પર્વની ઉજવણી કરવામાં આવશે. જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ૧૧ કરોડના ખર્ચે નવનિર્મિત છ ઘાટનો સાબરમતી તટે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી મંગળવાર, તા. ૧૨મી નવેમ્બરે અમદાવાદમાં છઠ્ઠ સાંસ્કૃતિક મહાપર્વ-૨૦૧૮માં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
અમદાવાદમાં ઇન્દિરા બ્રિજ–હાંસોલ પાસે સાબરમતી નદીના તટે છઠ ઘાટ ખાતે આવતીકાલે સાંજે ૫-૦૦ વાગ્યે આ મહાપર્વની ઉજવણી થવાની છે. મુખ્યમંત્રી આ અવસરે પ્રવાસન વિભાગના ૧૧ કરોડની ફાળવણી સાથે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા નિર્માણ પામેલા ૩૦૦ મીટરના છઠ ઘાટનો લોકાર્પણ કરશે. ગુજરાતમાં વસતા બિહાર રાજ્ય તેમજ ઝારખંડ અને પૂર્વીય ઉત્તર પ્રદેશના નાગરિકો-પરિવારો આ છઠ મહાપર્વની પરંપરાગત ઉજવણી સાથે મળીને કરે છે. મુખ્યમંત્રી પ્રતિ વર્ષની જેમ જ આ વર્ષે પણ આ છઠ મહાપર્વની ઉજવણીમાં સહભાગી થવાના છે.