અમદાવાદ : ચૈત્ર મહિનામાં અમદાવાદમાં બે વાર બિહારના લોકોના આનંદ અને ઉજવણીમાં ભાગ લેવાની તક મને મળી છે. ગુજરાત અને બિહાર વચ્ચે પ્રાચીન કાળથી સંબંધ રહ્યો છે. દંતકથા અનુસાર, માતા સીતા ભગવાન રામ સાથે ગુજરાતના ડાંગ એટલે કે દંડકારણ્ય પ્રદેશમાં આવ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે અમદાવાદના વટવા ખાતે બિહારી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત બિહાર ફાઉન્ડેશન ફેસ્ટિવલ અને હોળી મિલન સમારોહને સંબોધન કરતી વખતે આ વાત કહી હતી. આ પ્રસંગે તેમણે આયોજકોને કાર્યક્રમ માટે અભિનંદન પાઠવ્યા.
બીજી તરફ ભોજપુરી ફિલ્મોના અભિનેતા, ગાયક અને દિલ્હીના સંસદ સભ્ય મનોજ તિવારીએ જણાવ્યું કે, આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એક ભારત શ્રેષ્ઠ ભારત છે. એક રાજ્યનો ઉત્સવ બીજા રાજ્યમાં ઉજવાઇ રહ્યો છે. હવે ગુજરાતનો ઉત્સવ કાશીમાં થાય છે. પટનામાં થાય છે. એવી જ રીતે બિહારનો ઉત્સવ ગુજરાતમાં થઇ રહ્યો છે. આનાથી એક રાજ્યના લોકો બીજા રાજ્યના લોકો અને ત્યાંની પરંપરાઓ વિશે જાણવાની તક મળે છે. આનાથી અમે મજબૂત બનીએ છીએ. કાર્યક્રમમાં જ્યારે તેમણે ભોજપુરી ગીત શરૂ કર્યા ત્યારે સમગ્ર જનમેદની સ્થળ જોરદાર તાળિયોથી ગૂંજી ઉઠ્યુ હતુ.
કાર્યક્રમને સંબોધિત કરતા સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ ગિરીએ કહ્યું કે ,ગુજરાતની ધરતીનું ઋણ અમે ક્યારેય પણ ચુકી નહીં શકીએ. આ અમારી કર્મભૂમિ છે અને અમારા બાળકોની જન્મભૂમિ છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ, સંસદ સભ્ય મનોજ તિવારી, મેયર પ્રતિભા જૈન, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજા, વટવાના ધારાસભ્ય બાબુસિંહ જાદવ, બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહ, સહિત કાર્યક્રમમાં પધારેલા તમામ સંતો-મહંતોનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે સંસ્થાના તમામ હોદ્દેદારો દ્વારા મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ, સંસદ સભ્ય મનોજ તિવારી, મેયર પ્રતિભા જૈન, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપ જાડેજા, વટવાના ધારાસભ્ય બાબુસિંહ જાદવ, બાપુનગરના ધારાસભ્ય દિનેશ સિંહ કુશવાહ, પૂર્વ ધારાસભ્ય હિમ્મત સિંહ પટેલ સહિત તમામ સંતો-મહંતો અને મહેમાનોનું ફૂલ, શોલ તથા મોમેંટોથી સમ્માન કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમ અંગે સંસ્થાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શૈલેષ સિંહે જણાવ્યું કે, સમારોહમાં બિહારની લોકપ્રિય ગાયિકા નિશા ઉપાધ્યાય, ગાયક પ્રમોદ તિવારી, ગાયિકા આરાધ્યા શર્મા, ગાયક અનિલ યાદવ, ઉદ્ઘોષક ઉત્તમ બિહારીએ દ્વારા પ્રસ્તુત કાર્યક્રમને તમામ લોકોએ પસંદ કર્યો. આ કાર્યક્રમમાં અમદાવાદ ઉપરાંત રાજકોટ, વડોદરા ઉપરાંત બિહારથી પણ હજારોની સંખ્યામાં લોકો પધારીને કાર્યક્રમને સફળ બનાવ્યા હતા.