અમદાવાદ એરપોર્ટ પર હવે પાર્કિગ ચાર્જમાં લૂંટ બંધ થશે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ :  અમદાવાદ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એરપોર્ટ પર પ્રવાસીને માત્ર લેવા કે મૂકવા આવતાં સગાં કે સંબંધીઓને હવે કાર પાર્કિગનો કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં એટલું જ નહીં તે માટેના ટોલબૂથ પણ હવે એરપોર્ટ એન્ટ્રી ગેટથી નીકળી જશે. ટૂંક સમયમાં જ હવે નાગરિકોને ડેડિકેટેડ પાર્કિગની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવશે. પ્રવાસીને લઈને આવેલા વાહને માત્ર ડેડિકેટેડ ર્પાકિંગ એરિયામાં વાહન પાર્ક કરવાનું રહેશે.

આ ઉપરાંત જેઓ એરપોર્ટ પર વાહન પાર્ક કરશે તેમણે પણ હવે બહુ જ ઓછો પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે. અમદાવાદ એરપોર્ટ પર વાહનો ૧૦ મિનિટથી વધુ વાહન રોકાય તો રૂ. ૮૫નો પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવે છે ત્યારે મોટા ભાગે ટોલબૂથ પર તકરાર થાય છે ૧૦ કે ૧ર મિનિટના નિયમ સાથે પ્રવાસીને બૂથ સુધી પહોંચતાં ૧ર સેકન્ડ વધુ થાય તો પણ તેણે રૂ. ૮પ ચાર્જ ચૂકવવો પડતો હતો. હેવી ટ્રાફિકના કારણે ગાડીઓની લાંબી લાઈનના કારણે પ્રવાસીને ઈનટાઈમ એરપોર્ટ પર ઉતાર્યા પછી વાહનચાલકને બૂથ સુધી પહોંચવામાં મોડું થઈ જતું હતું.

અમદાવાદ એરપોર્ટના ડાયરેક્ટર મેજર મનોજ ગંગલે જણાવ્યું હતું કે બહુ ટૂંક સમયમાં ડેડિકેટેડ પાર્કિંગ પોલિસી આવશે, જેમાં એરપોર્ટ પર સગાંસંબંધીને માત્ર લેવા કે મૂકવા આવતા લોકોએ પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે નહીં, જેના કારણે ટોલબૂથ નીકળી જશે. પ્રવાસીના સગાંસંબંધીએ ડેડિકેટેડ પાર્કિંગ એરિયામાં તેનું વાહન પાર્ક કરી પ્રવાસીને લઈને કે મૂકીને નીકળી જવાનું રહેશે. જો તેઓ ડેડિકેટેડ ર્પાકિંગ એરિયામાં તેનું વાહન પાર્ક કરીને પછી લોન્જ કે અન્ય જગ્યાએ જશે તો તેને રૂ. ૩૦૦૦ પેનલ્ટી ચાર્જ ભરવો પડશે. હવે પ્રવાસીઓને તમામ ઝંઝટમાંથી મુક્તિ મળશે. શાંતિથી તેઓ ડેડિકેટેડ ર્પાકિંગ એરિયામાં સગાંને વિનામૂલ્યે ઉતારી કે લઈ જઈ શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાં એરપોર્ટ પર પાર્કિંગની નવી પોલિસી અમલી બની રહી છે તે મુજબ અમદાવાદ એરપોર્ટનાં તમામ પાસાંને આવરી લઈને એરપોર્ટના પાર્કિંગના ચાર્જમાં પણ ઘટાડો કરવામાં આવશે. નવી અમલી થનારી પાર્કિંગ પોલિસીમાં ૩૦ મિનિટ સુધીનો કાર પાર્કિંગનો ચાર્જ રૂ. ૨૦, ટુવ્હિલર માટે રૂપિયા ૧૦ અને બસનો ચાર્જ રૂપિયા ૩૦ રાખવાની વિચારણા કરાઈ છે. ઉપરાંત ૩૦ મિનિટથી ૨ કલાકનો સમય લાગે તો પાર્કિંગ ચાર્જ માટે ટુવ્હિલરના રૂપિયા ૧૫, કારના રૂપિયા ૫૫, એસયુવી-મિની બસના રૂપિયા ૬૦, બસ-કોચના રૂપિયા ૭૦ ચૂકવવાના થશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આગામી થોડા સમયમાં પાર્કિંગ ચાર્જ અંગે પોતાનો નિર્ણય જાહેર કરે તેવી સંભાવના છે. જેથી નાગરિકોને તેમાં પણ રાહત મળશે.

Share This Article