અમદાવાદ : અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આજે બોમ્બ મૂકાયો હોવાનો મેસેજ મળ્યો હતો. જેના પગલે સમગ્ર એરપોર્ટ પર અફરાતફરી મચી ગઇ હતી. તો એરપોર્ટ પરના સુરક્ષા કર્મી સહિત ડોગ સ્કવોડ, બોંબ સ્કવોડ સહિતની સુરક્ષા ટીમોની એક્શનમાં આવી ગઈ હતી. સઘન તપાસના અંતે એરપોર્ટ પરથી કોઇ વાંધાજનક ચીજવસ્તુ નહી મળી આવતાં બોંબ મૂકાયાની આખીય વાત બોગસ અને અફવા પુરવાર થઇ હતી.
જો કે, આજની બોંબ મૂકાયાની અફવાને પગલે અમદાવાદ એરપોર્ટ પર સેંકડો પ્રવાસીઓને ભારે હાલાકી અને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હી એર ઇન્ડિયાએ અમદાવાદ એર ઇન્ડિયાના મેનેજરને અમદાવાદ એરપોર્ટમાં બોંબ મૂકાયા અંગે જાણ કરી હતી. જેને પગલે એરપોર્ટ ઓથોરિટી દ્વારા તત્કાળ એરપોર્ટ ખાલી કરાવાયું હતું. બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમ કામે લગાડીને એરપોર્ટની સઘન તપાસ હાથ ધરાઇ હતી.
અમદાવાદ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો એરપોર્ટ દોડી ગયો હતો. બોમ્બના મેસેજના પગલે એરપોર્ટ પર હાજર મુસાફરોને હેરાનગતિ થઈ હતી. પોતાની નિયત ફ્લાઈટના સમયમાં ફેરફાર થતાં લોકોને જારદાર હાલાકીનો ભોગ બનવુ પડયું હતુ કારણ કે, તેમના નિયત શીડયુલ ખોરવાઇ ગયા હતા. અહેવાલો અનુસાર, કોલ કરનારની ઓળખ ચિરાગ મહેતા તરીકે કરવામાં આવી છે જેમણે બોંબ ધમકીનો કોલ કર્યો હતો. જેના પછી સલામતીને મજબૂત કરવામાં આવી હતી. આ મેસેજમાં બામ્બ બપોરે ૧.૩૦ વાગ્યે ફૂટશે તેવું જણાવવામાં આવ્યું હતું. આ મેસેજ પછી બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી પરંતુ સઘન તપાસ બાદ આખરે એરપોર્ટ પરથી કોઇપણ વિસ્ફોટક પદાર્થ કે વાંધાજનક ચીજવસ્તુ નહી મળતાં આખરે બોંબ મૂકાયની આખીય વાત બોગસ અફવા પુરવાર થઇ હતી. જેને પગલે તંત્રની સાથે સાથે મુસાફરોએ પણ રાહતનો દમ લીધો હતો.