ઇસ્કોનબ્રિજ પર કારની ટક્કરે સ્કુટી ફંગોળાઇને નીચે પટકાઈ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : ટ્રાફિકથી ભરચક એસ.જી.હાઇવેને એક્સપ્રેસ હાઇવે સમજીને વાહનચાલકો પુરઝડપે વાહનો હંકારતા હોય છે, જેના કારણે અકસ્માતના નાના મોટા અનેક બનાવો બનતા હોય છે. ગઇકાલે સાંજે પણ એસ.જી.હાઇવે પર આવેલા ઇસ્કોનબ્રિજ પર કાર અને સ્કૂટી વચ્ચે જારદાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારની જબરદસ્ત ટક્કરથી સ્કૂટી હવામાં ફંગોળાઈને બ્રિજ પરથી નીચે પટકાયું હતું. પરંતુ આ અકસ્માત દરમ્યાન યુવતી બ્રીજ પર જ પટકાતાં તેનો આબાદ બચાવ થઇ ગયો હતો. પુરપાટઝડપે આવતી કારનું ટાયર ફાટતાં આ અકસ્માત સર્જાયો હતો. ટ્રાફિક પોલીસે આ મામલે અકસ્માતની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, એસ.જી. હાઇવે પર દર એકાદ બે દિવસે અકસ્માતના બનાવો બને છે.

ગઇકાલે પણ ઇસ્કોનબ્રિજ પર એક અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં યુવતીનો આબાદ બચાવ થયો હતો. ધોડાસર વિસ્તારમાં રહેતી જાહ્નવી ઠક્કર તેનું સ્કૂટી લઇને પકવાન સર્કલથી સરખેજ તરફ જતી હતી ત્યારે ઇસ્કોનબ્રિજ પર તેને અકસ્માત નડ્‌યો હતો. પકવાનથી સરખેજ જવાના રોડ પર એક આઇ-૨૦ કારનો ચાલક પણ પુરઝડપે જતો હતો, ત્યારે તેણે જાહ્નવીને હડફેટમાં લીધી હતી. જાહ્નવીના સ્કૂટીને ટક્કર વાગતાં તે જમીન પર પટકાઇ હતી,

જ્યારે સ્કૂટી હવામાં ફંગોળાઇને બ્રિજની નીચેથી જમીન પર પડ્‌યું હતું. આ ગંભીર અકસ્માતમાં જાહ્નવીને સામાન્ય ઇજા પહોંચતાં તેનો આબાદ બચાવ થયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કાર ચાલકની સ્પીડ વધુ હતી ત્યારે કારનું ટાયર ફાટતાં તેને સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર જાહ્નવીના મોપેડ સાથે અથડાઇ હતી. જાહ્નવી સ્કૂટી પરથી જમીન પર પડી ગઇ હતી. પોલીસે આ મામલે અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Share This Article