અમદાવાદ : ગુજરાતની ભાજપ સરકારની ગરીબ, ખેડૂત, પશુપાલકો વિરોધી નીતિથી ત્રસ્ત માલધારી સમાજ દ્વારા આજે અમદાવાદ શહેરમાં માળદારી યુવા ક્રાંતિ સભા નામનું વિશાળ સંમેલન બોલાવવામાં આવ્યું હતું પરંતુ પોલીસે છેલ્લી ઘડીયે પોલીસે પરમીશન નહી આપતાં સંમેલન યોજી શકાયુ ન હતું. જેના કારણે શહેર સહિત સમગ્ર રાજયભરના રબારી, ભરવાડ, આયર, ચારણ, ગઢવી સહિત માલધારી સમાજમાં ઉગ્ર આક્રોશની લાગણી ભભૂકી ઉઠી હતી. એક તબક્કે માલધારી સંમેલનમાં જારદાર હોબાળો મચી ગયો હતો. રાજયભરમાંથી આવેલા માલધારી સમાજની મહિલાઓ, બાળકો, યુવાઓ રઝળી પડયા હતા.
રોષે ભરાયેલા માલધારી સમાજના આગેવાનો અને યુવા-મહિલાઓ સ્થળ પર જ ધરણાં પર બેસી ગયા હતા, જેને લઇ સમગ્ર મામલો ગરમાયો હતો. આજના પ્રસંગે ઓબીસી, એસટી-એસસી લઘુમતી એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશ ભરવાડે સરકાર અને પોલીસ સત્તાવાળાઓ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, રાજય સરકારના ઇશારે પોલીસે દમનશાહી નીતિ અખત્યાર કરી માલધારી સમાજનું સંમેલન પરમીશન નહી આપીને અટકાવ્યું છે પરંતુ માલધારી સમાજ આગામી દિવસોમાં આનાથી મોટું અને વિશાળ સંમેલન યોજવા મક્કમ છે. માલધારી સમાજ તેના પ્રશ્નો અને સમસ્યાઓને વાચા આપવા માટે એકત્ર થઇ રહ્યો છે ત્યારે સરકારને કઇ વાતનો ડર છે અને કોને ડર લાગી રહ્યો છે માલધારી સમાજથી. સરમુખત્યારશાહી અને તાનાશાહીના જારે લોકશાહી અને બંધારણીય અધિકારો કચડવાનો પ્રયાસ કરનાર રાજય સરકારને આગામી લોકસભા ચૂંટણીમાં તેના પરિણામો ભોગવવા પડશે.
માલધારી સમાજના આજના વિશાળ સંમેલનને લઇ અમદાવાદ અને તેની આસપાસના ગામડાઓ અને રાજયના વિવિધ જિલ્લા-તાલુકાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં માલધારી સમાજ, રબારી, ભરવાડ, ચારણ, ગઢવી સહિતના સમાજની મહિલાઓ, બાળકો, યુવાઓ સહિતના લોકો એસ.જી.હાઇવે પર ગુરૂદ્વારાની પાછળ વિશાળ મેદાનમાં ઉમટી રહ્યા હતા અને સંમેલન યોજવાની તૈયારીઓ ચાલી રહી હતી પરંતુ ત્યાં તો, અચાનક પોલીસના જીપ, વાન સહિતના વાહનો ત્યાં દોડી આવ્યા હતા અને તેમાંથી પોલીસનો ખડકલો ઉપરોકત સ્થળે તૈનાત કરી દેવાયો હતો. એટલું જ નહી, પોલીસે સંમેલનની પરમીશન નહી અપાઇ હોઇ છેલ્લી ઘડીયે સંમેલન યોજતા માલધારી સમાજના આગેવાનોને અટકાવ્યા હતા. જેને લઇ સંમેલન સ્થળ પર જારદાર હોબાળો મચી ગયો હતો. ખાસ કરીને માલધારી સમાજના લોકોમાં ઉગ્ર આક્રોશની લાગણી ભભૂકી ઉઠી હતી. પોલીસ સત્તાવાળાઓ અને સરકારના આ પ્રયાસને આકરા શબ્દોમાં વખોડી કાઢતાં ઓબીસી, એસટી-એસસી લઘુમતી એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશ ભરવાડે જણાવ્યું કે, માલધારી સમાજની વર્ષોથી પડતર અનેક સમસ્યાઓનું આજે પણ સમાધાન આવી શકયું નથી કે તેના નિરાકરણની દિશામાં રાજય સરકારે કોઇ નક્કર કાર્યવાહી કરી નથી. જેના પરિણામે, આજે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં માલધારી સમાજને પોતાનું અÂસ્તત્વ ટકાવી રાખવું અત્યંત મુશ્કેલ બની ગયું છે.
વિકાસની લ્હાયમાં સરકારે ગામડાઓની હજારો એકર જમીન મોટા મોટા ઉદ્યોગગૃહોને પાણીના ભાવે આપી દીધી છે, તો કેટલીય જમીનો પર ભૂમાફિયાઓએ ગેરકાયદે દબાણો અને અતિક્રમણ કરી ગૌચરની જમીનો પચાવી પાડી છે. જેને પગલે આજે ગુજરાતના ૩૦ જિલ્લાઓમાં ૨૨૯૦થી વધુ ગામડાઓમાં પશુધન માટે ગૌચરની જમીન જ રહી નથી. ગૌચરની જમીન વિના માલધારીઓના પશુધનને કેવી રીતે જીવાડવા તે માલધારી-પશુપાલકો માટે બહુ ગંભીર અને વિકરાળ સમસ્યા બની છે ત્યારે માલધારી સમાજના અનેકવિધ પ્રશ્નો અને સમસ્યાઓના મામલે આજે માલધારી યુવા ક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું પરંતુ આ તાનાશાહી સરકારે પોલીસ અને સત્તાનો દુરપયોગ કરી સંમેલન યોજવા દીધુ નથી પરંતુ વાત અટકશે નહી, આગામી દિવસોમાં માલધારી સમાજ આનાથી પણ વિશાળ અને મોટાપાયે સંમેલન યોજવા મક્કમ છે. જેની રણનીતિ અને કાર્યક્રમો ઘડી કાઢવામાં આવશે. આગામી દિવસોમાં માલધારી સમાજ રાજયવ્યાપી જલદ અને ઉગ્ર આંદોલનના કાર્યક્રમો આપશે.