નવી દિલ્હી: ઓગસ્ટા વેસ્ટલેન વીવીઆઈપી હેલિકોપ્ટર કૌભાંડમાં ઇડી તરફથી દાખલ કરવામાં આવેલી પુરક ચાર્જશીટ પર પટિયાલા હાઉસ કોર્ટ મંગળવારના દિવસે સુનાવણી હાથ ધરશે. પુરાવા પર વિચારણા માટે આજની તારીખ નક્કી કરવામાં આવી હતી, પરંતુ હવે આ મામલામાં ૨૪મી જુલાઈના દિવસે વિચારણા હાથ ધરવામાં આવશે. કોર્ટ ૩૬૦૦ કરોડ રૂપિયાના વીવીઆઈપી હેલિકોપ્ટર સોદાબાજીના મામલામાં મની લોન્ડરિંગ સાથે સંબંધિત આક્ષેપોમાં સુનાવણી કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સમગ્ર દેશને હચમચાવી મુકનાર ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર લાંચ રૂશ્વત કેસમાં ૧૮મી જુલાઈના દિવસે પુરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. એરફોર્સના પૂર્વ વડા એસપી ત્યાગી, તેમના બે કઝીન, વકીલ ગૌત્તમ ખેતાન, બે ઇટાલીયન મધ્યસ્થી અને ફિના મેકેનિકા સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
સ્પેશિયલ જજ અરવિંદ કુમાર સમક્ષ આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. એરફોર્સના પૂર્વ વડા એસપી ત્યાગીની તકલીફ સતત વધી રહી છે. આગામી દિવસો તેમના માટે પડકારરુપ રહી શકે છે. ચાર્જશીટમાં ગંભીર પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા હતા. સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યુટર એનકે મટ્ટા મારફતે આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે જેમાં ત્યાગી બંધુઓના નામનો ઉલ્લેખ છે. આ ઉપરાંત ઇટાલિયન મધ્યસ્થી કાર્લો ગેરોસાનો પણ સમાવેશ થાય છે.
ઓગસ્ટા વેસ્ટલેન્ડની પેરેન્ટ કંપની ફિના મેકેનિકા સામે પણ એફઆઈઆર કરવામાં આવી છે. ૮ મિલિયન યુરોના મની લોન્ડરિંગનો આક્ષેપ તેમના ઉપર કરવામાં આવ્યો છે. હેલિકોપ્ટર કૌભાંડમાં ઇડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
ઇડીએ કહ્યું છે કે, મલ્ટીપલ વિદેશી કંપનીઓ મારફતે નાણા ઉચાપત કરવામાં આવી હતી. આ મામલામાં કટકી મોટા પ્રમાણમાં થઇ હતી. ૩૬ અબજ રૂપિયાના વીવીઆઈપી હેલિકોપ્ટર સોદાબાજી મામલામાં તપાસ ચાલી રહી છે. મની લોન્ડરિંગ કેસમાં તપાસ ચાલી રહી છે.
પહેલી જાન્યુઆરી ૨૦૧૪ના દિવસે ભારતે બ્રિટિશ ગૌણ કંપની ઓગસ્ટા વેસ્ટલેન્ડ સાથે હેલિકોપ્ટર સોદાબાજી કરાર રદ કર્યો હતો. ઓગસ્ટા વેસ્ટલેન્ડના મામલામાં મૂળ કંપની ફિનમેક્કાનિકાને આરોપી બનાવવામાં આવ્યા છે. પુરક ચાર્જશીટમાં તેમના ઉપર આશરે ૨.૮ કરોડ યુરોની મની લોન્ડરિંગનો આક્ષેપ મુકવામાં આવ્યો છે.