કર્મચારીઓને પડતી મુશ્કેલીઓના નિવારણ તથા પ્રોત્સાહિત કરવા કૃષિ ભવન ખાતે કાર્યરત કચેરીઓની ઓચિંતી મુલાકાત લેતા કૃષિમંત્રી  રાઘવજીભાઈ પટેલ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

કૃષિ વિભાગ હસ્તકની કચેરીઓના કર્મચારીઓને પડતી મુશ્કેલીઓના નિવારણ તથા તેમને પ્રોત્સાહિત કરવા કૃષિ ભવન, ગાંધીનગર ખાતે કાર્યરત કચેરીઓની કૃષિમંત્રી  રાઘવજીભાઈ પટેલે આજ રોજ ઓચિંતી મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તમામ અધિકારી-કર્મચારીઓ નિયમિતતા અને પૂરી ક્ષમતા સાથે સંનિષ્ઠ પ્રયાસો થકી ખેડૂત કલ્યાણની યોજનાઓના લાભો સત્વરે મળી રહે તે માટે ખાતાના વડાઓને સૂચના આપી હતી. તેમજ મંત્રી કાર્યાલય અને ફિલ્ડ કચેરીઓ વચ્ચેનું અંતર ઘટાડીને સતત ઉત્તમ કામગીરી થકી ઉત્તમ પરિણામો મેળવવાના પ્રયાસ સતત ચાલુ રહેશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

મંત્રીએ આ મુલાકાત વેળાએ કૃષિ ભવન ખાતે આવેલ ખાતાના વડાની કચેરીઓ કૃષિ નિયામકની કચેરી, બગાયત નિયામકની કચેરી, પશુપાલન નિયામકની કચેરી, ગુજરાત કૃષિ યુનિવર્સિટી કાઉન્સીલ અને પશુધન વિકાસ બોર્ડની ઓચિંતી મુલાકાત લીધી હતી. અને કચેરીમાં હાજર અને ગેરહાજર કર્મચારીઓની વિગતો મેળવી તેમજ તમામ કચેરીઓની ઓફિસની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

મંત્રીએ ખાતાના વડાની કચેરીઓમાં આવેલ કર્મચારીઓ માટેની પ્રાથમિક સુવિધાઓની જાણકારી મેળવી અને વધુ યોગ્ય સુવિધાઓ માટે સૂચનો કર્યા હતા. કચેરીમાં નિયમિત આવતાં કર્મચારીઓને પ્રોત્સાહન આપ્યું તેમજ તમામ કર્મચારીઓ કચેરીમાં સમયસર હાજરી આપી તેમની પૂરી ક્ષમતાથી પ્રજાના પ્રશ્નોને વાચા આપવા સતત કામગીરી કરે તે માટે ખાતાના વડાઓને સૂચનાઓ આપી હતી.

               વધુમાં નિષ્ઠાવાન કર્મચારીઓની સમર્પિત કામગીરી થકી જ આપણે નાગરિકોને ઉત્તમ સેવાઓ પૂરી પાડી શકીએ છે એમ જણાવી મંત્રીએ કર્મચારીઓને પ્રેરિત કર્યા હતાં. ખાતાના વડાની કચેરીઓની ઓચિંતી મુલાકાતનો મંત્રીનો હેતુ કચેરીઓની કાર્યપદ્ધતિ જાણવાનો, કચેરીના વાતાવરણથી માહિતગાર થવાનો, કર્મનિષ્ઠ કર્મયોગીઓને પ્રોત્સાહિત કરવાનો તેમજ કર્મચારીઓને કામગીરીમાં અડચણરૂપ મુશ્કેલીઓ જાણવાનો હતો.

               આ મુલાકાત વેળાએ ખેતી નિયામક  એમ. જે. સોલંકી, પશુપાલન નિયામક  ફાલ્ગુની ઠાકર સહિત કૃષિ ભવન ખાતે કાર્યરત તમામ કચેરીઓના વડાઓએ ઉપસ્થિત રહી મંત્રીને જરૂરી માહિતી પૂરી પાડી હતી.

Share This Article