નવી દિલ્હી : લોકસભાની ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે એકપછી એક લોકલક્ષી યોજના જાહેર કરવાનો સિલસિલો જારી રહ્યો છે. આ દિશામાં આગળ વધીને હવે કૃષિ નિકાસના ક્ષેત્રમાં મોટો નિર્ણય કરવામાં આવી શકે છે. જેના ભાગરૂપે તમામ રાજ્યોને પરિવહન સબ્સિડી આપવામાં આવનાર છે. ડુંગળી અને લસણ જેવા રોકડિયા પાકને જેમ તેમ કિંમતોમાં વેચી દેવાના કારણે નારાજ થયેલા ખેડુતોની નારાજગીને દુર કરવા માટે કેન્દ્ર સરકાર હવે નિકાસ મારફતે તેમની આવકને વધારી દેવા માટે વિચારણા કરી રહી છ. આના માટે દેશના તમામ રાજ્યોને કૃષિ નિકાસ પર પરિવહન સબ્સિડી આપવામાં આવનાર છે. હાલમાં આની હદને પૂર્વોતરના રાજ્યો સુધી મર્યાિદત રાખવા માટેની હિલચાલ ચાલી રહી છે. જે પરિવહન ખર્ચના ૯૦ ટકા સુધી પરિવહન સબ્સિડીને પાત્ર છે.
વાણિજ્ય પ્રધાન સુરેશ પ્રભુએ કહ્યુ છે કે સરકાર રાજ્યોને પરિવહન સબ્સિડી આપવાના મુદ્દા પર ગંભીરતાપૂર્વક વિચારણા કરી રહી છે. વેપાર વિકાસ અને સંવર્ધન પરિષદની બેઠકમાં કેટલાક મામલાની સાથે સાથે પરિવહન સબ્સિડીના મામલે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં કર્ણાટક, પંજાબ અને તમિળનાડુ સહિતના કેટલાક રાજ્યોના પ્રતિનિધીઓ આમાં ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર સરકાર તમામ રાજ્યોને પરિવહન સબ્સિડી આપવા માટે વિચારણા કરી રહી છે. જેથી કૃષિ નિકાસને પ્રોત્સાહન મળી શકે છે. ખેડુતોની આવકને બે ગણી કરવાની દિશામાં સરકાર છેલ્લા કેટલાક સમયથી પગલા લઇ રહી છે અને આના માટે જુદી જુદી પહેલ પણ કરવામાં આવી રહી છે. હવે ખેડુતોની આવકને બે ગણી કરવાના હેતુથી ટુંક સમયમાં જ આની જાહેરાત કરવામાં આવી શકે છે.
હેવાલમાં જણાવવામાં આવ્યુ છે કે એપ્રિલ-ઓક્ટોબર ૨૦૧૮-૧૯ના ગાળા દરમિયાન ૩.૪ લાખ કરોડ રૂપિયાના કૃષિ પેદાશોની નિકાસ કરવામાં આવી હતી. જ્યારે વર્ષ ૨૦૧૭-૧૮ના ગાળા દરમિયાન ત્રણ લાખ કરોડ રૂપિયાની કિંમતના કૃષિ પેદાશોની નિકાસ કરવામાં આવી હતી. મોદી સરકાર વારંવાર કહેતી રહી છે કે ખેડુતોની આવકને બે ગણી કરવાની દિશામાં જુદા જુદા પગલા ફાયદાકારક સાબિત થશે. જાણકાર લોકો કહે છે કે વિદેશી બજારોમાં જૈવિક કૃષિ પેદાશોની માંગ રોકેટ ગતિથી વધી રહી છે. વધતી જતી માંગને ધ્યાનમાં લઇને સરકાર તેમની નિકાસને વધારી દેવા માટે પ્રયાસ કરી રહી છે. સરકાર આને પ્રોત્સાહન આપીને વૈશ્વિક બજારોમાં ભારતની સ્થિતીને મજબુત કરવા માટે ઇચ્છુક છે. આના કારણે ખાતરોના બિનજરૂરી ઉપયોગ પર બ્રેક મુકવામાં પણ સફળતા મળનાર છે. સાથે સાથે રોજગારીની પણ વધુને વધુ તક સર્જાનાર છે. રાજ્યોના કૃષિ નિકાસકારોને સરળ શરત પર લોન આપવા માટેની પણ તૈયારી ચાલી રહી છે. લોન સંબંધિત સમસ્યાના ઉકેલ માટે નાણાંકીય સેવા સચિવ બેંકો અને સીટીડીપીની સાથે વાતચીત કરશે. બેંકો પાસેથી કૃષિ નિકાસ માટે લોનને પ્રાથમિકતાના ક્ષેત્ર તરીકે જાવા માટે કહેવામાં આવ્યુ છે. તમામ રાજ્યોને પરિવહન સબ્સિડીની સુવિધા આપવાના મામલે ટુંક સમયમાં જ અંતિમ નિર્ણય કરાશે.