એજન્ટો સ્વપ્નીલના ફોટો લઇ મૂડીરોકાણકારોને ધમકાવે છે

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

અમદાવાદ :  ગુજરાતના મહાઠગ વિનય શાહ એની તેની પત્ની ભાર્ગવી શાહ ્‌દ્વારા આચરાયેલા રૂ.૨૬૦ કરોડના કૌભાંડમાં ભાજપના નેતા સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નીલ રાજપૂતની પણ સંડોવણી બાદ હજુ સુધી તેઓની ધરપકડ કે અટકાયત નહી થતાં ભોગ બનેલા નિર્દોષ નાગરિકોમાં ઉગ્ર રોષની લાગણી ફેલાવા પામી છે. બીજીબાજુ, રોકાણકારોએ જે એજન્ટોના કહેવાથી વિનય શાહની સ્કીમમાં રોકાણ કર્યું હતું, તેઓ હવે ભાજપના નેતા સુરેન્દ્ર રાજપૂત અને તેના પુત્ર સ્વપ્નીલ રાજપૂતના એફબી એકાઉન્ટ અને ફોટા બતાવી ધમકાવી રહ્યા છે, જેને લઇ હવે એક નવો વિવાદ આવ્યો છે.

પોલીસ દ્વારા શા માટે હજુ બંને પિતા-પુત્રની ધરપકડ કે અટકાયત સુધ્ધાં નથી કરાઇ તે મુદ્દે હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. તાજેતરમાં મોડી રાત્રે વસ્ત્રાપુર પોલીસે વિનય શાહ સામે પહેલી ફરિયાદ નોંધી ત્યારે બીજા વીસ રોકાણકારો ત્યાં હાજર હતા, જેમને પોલીસે ફરિયાદ લીધા વગર પાછા કાઢ્યા હતા. જેમાંથી ત્રણ ચાર રોકાણકારોએ જણાવ્યું હતું કે,અમે જે રોકાણકારો દ્વારા રોકાણ કર્યું છે, તે એજન્ટો અમને ભાજપના નેતા સુરેન્દ્ર રાજપૂતના પુત્ર સ્વપ્નીલ રાજપૂતનું એફબી એકાઉન્ટ બતાવી ધમકાવે છે. આ એકાઉન્ટમાં ભાજપના પ્રદેશ સ્તર અને રાષ્ટ્રીય સ્તરના સંગઠનના એકથી દસ ક્રમના તમામ નેતાઓ અને રાજ્ય તથા કેન્દ્ર સરકારના મંત્રીઓ આ તમામ સાથે સ્વપ્નીલની અત્યંત નિકટતા દર્શાવતા હોય એવા ફોટા વર્ષથી પણ વધારે સમય પહેલા અપલોડ કરવામાં આવેલા છે. આ ફોટોઝ બતાવી એજન્ટો કહે છે કે સ્વપ્નીલ આ તમામ નેતાઓ સાથે ઘરોબો ધરાવે છે અને એટલે જ ફરિયાદને આઠ દિવસ થયા તેમ છતાં સીઆઇડી ક્રાઇમ ૫૧ લાખની સંપત્તિ અને બેંકમાં પડેલા ૧૪ લાખ જપ્ત કર્યા સિવાય કંઇ ઉકાળી શકી નથી. આથી જો તમે ફરિયાદ કરશો તો એક રૂપિયો પણ  પાછો નહીં આવે કારણ કે કંપની અને વિનય શાહને બાપ-બેટાનું પીઠબળ હોવાથી ઉની આંચ પણ આવવાની નથી.

ઉલ્લેખનીય છે કે જે પોલીસ સ્ટેશનમાં રોકાણકારોને ફરિયાદ લીધા વગર પાછા કાઢવામાં આવ્યા હતા. તે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીનો ઉલ્લેખ સોશિયલ મિડિયામાં ફરતી થયેલી સુરેન્દ્ર-સ્વપ્નીલ રાજપૂત અને વિનય શાહ વચ્ચેની વાતચીતની ઓડિયો ટેપમાં એકથી વધુ વાર છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રોકાણકારોએ જણાવ્યું હતું કે આર્ચર કેરના એજન્ટો તેમનું વિનય શાહને બનાવેલું વોટ્‌સએપ ગ્રુપ પણ બતાવે છે, જેમાં વિનય શાહે અપલોડ કરેલા મેસેજ પણ છે. આ પોસ્ટ બતાવી એજન્ટો એમ કહે છે કે જુઓ વિનય શાહ અમારા સંપર્કમાં જ છે અને તોય પોલીસ પકડતી નથી એનું કારણ પણ એ સ્વપ્નીલ રાજપૂતના ઉંચા સંપર્કો જ છે. વિનય શાહ સામે કોઈ ફરિયાદ કરવા આવતું ન હોવાથી સીઆઈડી ક્રાઈમે આજે ફોન નંબર જાહેર કરવાની ફરજ પડી હતી. સીઆઈડી ક્રાઈમે ગાંધીનગરમાં નાયબ પોલીસ અધિક્ષક જી.ડી.પલસાણાનો ૦૭૯-૨૩૨-૫૪૩૮૦ ઉપર સપર્ક કરવા માટે જણાવ્યુ છે. સ્વપ્નીલ રાજપૂતના ડરના લીધે ફરિયાદ થતી નથી, ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, સીઆઈડી ક્રાઈમ સ્વપ્નીલ રાજપૂતનો મોબાઈલની ડિટેઈલ મંગાવીને વિનય શાહ સાથે જ સંપર્કની કેમ તપાસ કરતી નથી. વિનય શાહે સોનીને એક ગ્રામના હજાર સિક્કા બનાવવાનો ઓર્ડર આપ્યો હોવાનું ખુલતા આ સિક્કા બનાવનાર સોનીનું નિવેદન લેવાયું છે. વિનયના કોર ગ્રુપના ૨૬ સભ્યોનુ લિસ્ટ પણ તપાસમાં મળ્યું છે. ઇન્કમટેક્સ નજીક આવેલી કીમ ઇન્ફ્રા. તથા હેલ્પ ફાયનાન્સ સામે કરોડોની ફરિયાદો નોધાતા વાડજ પોલીસને આજે તપાસનું નાટક કરવું પડયું હતું. આ કંપનીએ દેશભરમાં ૧ હજાર કરોડની અને રાજ્યભરમાં ૨૦૦ કરોડની ઠગાઈ કરી છે. ત્યારે પોલીસે કંપનીની ઓફિસમાંથી કોમ્પ્યુટર, સીપીયુ, હાર્ડ ડીસ્ક, અન્ય ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ફરિયાદના અઠવાડિયા પછી જપ્ત કરી હતી.

 

 

Share This Article