નવી દિલ્હીઃ બિહારમાં મુજફ્ફરપુર જિલ્લાના સનસનાટીપૂર્ણ શેલ્ટર હોમ રેપ કેસમાં ઉંડી તપાસનો દોર ચાલી રહ્યો છે. આમાં તપાસના ભાગરૂપે સીબીઆઈની ટીમ આજે બાળકીઓ માટેના ગૃહમાં પહોંચી હતી. સીબીઆઈએ અહીં ઉંડી તપાસ કરી હતી. સીબીઆઈની ટીમે સેન્ટ્રલ ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના અધિકારીઓ સાથે મળીને ઉંડી તપાસ કરી હતી. મુજફ્ફરપુર બાળગૃહમાં ૩૪ બાળકીઓ પર અત્યાચારના મામલાથી સમગ્ર બિહાર હચમચી ઉઠ્યું છે. હાલમાં સીબીઆઈ દ્વારા આ મામલામાં ઉંડી તપાસ કરવામાં આવી રહી છે.
બીજી બાજુ આ મામલાને લઈને રાજકીય ગરમી વધી ગઈ છે. બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવે મુખ્યમંત્રી નીતિશકુમારના રાજીનામાની ફરીવાર માંગ કરી છે. મામલાની તપાસમાં તેજી લાવવા માટે આજે સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સના અધિકારીઓની ટીમે વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કર્યા હતા.
એક જિલ્લા પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, મુજફ્ફરપુર કોર્ટમાં મામલાના મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુરની પૂછપરછ કરવા માટે તેને રિમાન્ડ પર લેવા માટે અરજી કરતા પહેલા ટીમે સીલ કરવામાં આવેલા રૂમમાં તપાસ કરી હતી. બીજી બાજુ સીબીઆઈએ મામલાના મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુરના પુત્ર રાહુલ આનંદની પૂછપરછ કરી છે. અધિકારીઓનું કહેવું છે કે ટીમોએ સીલ કરવામાં આવેલા રૂમને ખોલ્યા હતા અને પુરાવા એકત્રિત કર્યા હતા. ટીમ દ્વારા કરવામાં આવેલી તમામ તપાસ ગતિવિધિઓના રેકોર્ડ કરવા માટે વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. ઠાકુરને અન્ય નવ લોકોની સાથે પકડી પાડવામાં આવ્યા બાદ બાળકીઓના ગૃહને સીલ કરને ઉંડી તપાસ હાથ ધરવામાં આવી છે.
બાળકીઓના ગૃહની અંદર અને બહાર વધારાના સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવી ચુક્યા છે. ઠાકુરે મુજફ્ફરપુર કેન્દ્રિય જેલમાં પાંચ દિવસ ગાળ્યા છે. આ મામલામાં તેને હાલમાં જ પકડી પાડવામાં આવ્યો હતો. મુજફ્ફરપુર રેપકાંડ મામલામાં તેજસ્વીએ નીતિશકુમાર ઉપર ફરી પ્રહાર કર્યા છે. નીતિશકુમાર રાજ્ય ચલાવવામાં નિષ્ફળ રહ્યા છે. જેથી નૈતિકતાના આધાર ઉપર નીતિશકુમારે રાજીનામું આપી દેવું જાઈએ. આ સાબિત થઈ ગયું છે કે નીતિશકુમાર સૌથી ડરપોક મુખ્યમંત્રી છે. જે પુત્રીઓની સુરક્ષા કરવાના બદલે અપરાધીઓને બચાવવામાં લાગેલા છે તેવા મુખ્યમંત્રીની કોઈ જરૂર નથી. કારણ કે જેલ સાથે સંબંધિત મામલાન જવાબદારી પણ તેમની પોતાની રહેલી છે.
શેલ્ટર હોમમાં રહેતી યુવતીઓના મેડિકલ ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે. જેમાં જાણવા મળ્યું છે કે ૩૪ની સાથે બળાત્કાર થયો છે. કેટલીક બાળકીઓએ કોર્ટમાં કહ્યું છે કે તેમને નશાની ચીજો આપવામાં આવતી હતી. મારામારી કરવામાં આવતી હતી અને ત્યારબાદ બળાત્કાર ગુજારવામાં આવતો હતો. કેટલીક યુવતીઓએ કહ્યું છે કે જ્યારે સવાર થતી હતી ત્યારે તેમના વસ્ત્રો દેખાતા ન હતા. રાત્રે ભોજનમાં ગોળીઓ અપાતી હતી.