પુલવામા : દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં ફરી એકવાર આજે સવારે ત્રાસવાદીઓએ ભીષણ હુમલો કર્યો હતો. ત્રાસવાદીઓના આ હુમલામાં એક મેજર સહિત ચાર જવાનો શહીદ થયા છે અને એક સ્થાનિક નાગરિકનુ પણ મોત થયુ છે.પુલવામાના પિંગલિના ક્ષેત્રમાં ત્રાસવાદીઓ સામે ઓપરેશન હાથ ધરવામાં આવ્યા બાદ આ અથડામણ શરૂ થઇ હતી. અહીં અનેક ખતરનાક ત્રાસવાદીઓ છુપાયા હોવાની બાતમી મળ્યા બાદ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. આજે વહેલી સવારે અથડામણ શરૂ થઇ હતી.
ત્રાસવાદીઓએ ૧૪મી ફેબ્રુઆરીના દિવસે ભીષણ હુમલાને અંજામ આપ્યા બાદ આજે ફરી એકવાર હુમલો કર્યો હતો. અથડામણમાં અન્ય એક જવાન ઘાયલ પણ છે. તમામ શહીદ થયેલા ચારેય જવાનો રાષ્ટ્રીય રાઇફલના હોવાના હેવાલ મળ્યા છે. ૫૫ રાષ્ટ્રીય રાઇફલના જવાનોએ કાર્યવાહી હાથ ધર્યા બાદ તેમના જવાનો ગોળીબારમાં ફસાયા હતા. ઓપરેશન હાથ ધરવામાં આવ્યા બાદ સુરક્ષા જવાનોએ તમામ વિસ્તારને ચારેબાજુથ ઘેરી લઇને ઓપરેશન હાથ ધર્યુ છે. મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાને બંધ કરી દેવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાં પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ ૧૪મી ફેબ્રુઆરીના દિવસે એક મોટા હુમલાને અંજામ આપ્યો હતો.
આ હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થઇ ગયા હતા. તાજેતરના વર્ષોમાં સૌથી મોટા હુમલાને ત્રાસવાદીઓ દ્વારા અંજામ આપવામાં આવ્યા બાદ દેશભરમાં લોકોમાં પહેલાથી આક્રોશ છે. ૧૪મી ફેબ્રુઆરીના દિવસે ત્રાસવાદીઓ દ્વારા ગુપ્તરીતે બીછાવવામાં આવેલી જાળ હેઠળ આ ભીષણ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં સીઆરપીએફના જવાનો ફસાયા હતા. ઉરીમાં સપ્ટેમ્બર ૨૦૧૬માં આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો પર આને સૌથી મોટા હુમલા તરીકે ગણવામાં આવે છે. શ્રીનગર-જમ્મુ હાઈવે ઉપર સ્થિત અવન્તીપોરા વિસ્તારમાં આ હુમલો થયો હતો. આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદે હુમલાની જવાબદારી સ્વીકારી લીધી હતી. વિસ્ફોટક સાથે ભરેલી એક ગાડીને લઇને જૈશના ત્રાસવાદી આદિલે સીઆરપીએફ જવાનોના કાફલાની બસમાં અથડાવી હતી. હુમલા બાદ જવાનોએ પણ કાર્યવાહીના પ્રયાસ કર્યા હતા પરંતુ અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. કાફલાની જે બસને ત્રાસવાદીઓએ ટાર્ગેટ બનાવી હતી તેમાં ૪૪ જવાનો હતા. જે કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યો તે જમ્મુથી શ્રીનગર જઇ રહ્યો હતો તેમાં ૨૦૦૦ જવાનો હતા. જે કાફલા ઉપર હુમલો કરાયો તેમાં ૭૦ વાહનો હતા. આમાથી એક ગાડીને ટાર્ગેટ બનાવવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ વર્ષોથી સક્રિય રહ્યા છે અને આતંકવાદીઓ સામે સર્ચ ઓપરેશન અને ઓપરેશન ઓલઆઉટ યુદ્ધના ધોરણે જારી છે ત્યારે આ આતંકવાદી ફરી એકવાર સક્રિય દેખાઇ રહ્યા છે. ત્રાસવાદીઓ સામે કાર્યવાહી જારી રહી છે. પુલવામા વિસ્તારમાં ત્રાસવાદીઓ સામે કાર્યવાહી વધારે તીવ્ર કરવામાં આવી શકે છે. પુલવામાં વિસ્તારમાં એક પછી એક બે હુમલા બાદ સુરક્ષા દળો સામે મોટા પડકારો આવી ગયા છે.