આપ નેતા અને દિલ્હીના ડેપ્યુટી મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ભાજપ પર આપના કોર્પોરેટરોને ખરીદવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. મનીષ સિસોદિયાએ ટ્વીટ કર્યુ કે, ‘ભાજપનો ખેલ શરૂ થઈ ગયો. અમારા નવા ચૂંટાયેલા કોર્પોરેટરોને ફોન આવવાના શરૂ થઈ ગયા છે. અમારા કોર્પોરેટરો વેચાશે નહીં. અમે બધા કોર્પોરેટરોને કહી દીધુ છે કે તેને ફોન આવે કે મળવા આવે તો તેનું રેકોર્ડિંગ કરી લે. આ પહેલા બુધવારે દિલ્હી કોર્પોરેશનની ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું. આમ આદમી પાર્ટીએ એમસીડીમાં ૨૫૦માંથી ૧૩૪ સીટો જીતી, ભાજપે ૧૦૪ સીટો જીતી છે અને કોંગ્રેસના ખાતામાં ૯ સીટો આવી છે. ૩ અપક્ષે પણ ચૂંટણી જીતી છે. આમ આદમી પાર્ટીએ ભલે દિલ્હી કોર્પોરેશનની ચૂંટણી બહુમત સાથે જીતી લીધી હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ બુધવારે સંકેત આપ્યો છે કે મેયરની ચૂંટણી થવાની હજુ બાકી છે અને ચંદીગઢમાં તેના વિરોધીઓની પાસે વધુ સીટો હોવા છતાં મેયર ભાજપના છે.
ભાજપના આઈટી સેલ પ્રમુખ અમિત માલવીયે પરિણામ બાદ મોટો દાવો કરતા કહ્યું કે હવે દિલ્હીના મેયર ચૂંટવાનો વારો છે. આ તે વાત પર ર્નિભર રહેશે કે કોઈ રોમાંચક મુકાબલામાં નંબર પર પકડ બનાવી રાખે છે, કોર્પોરેટરો ક્યા પ્રકારે મતદાન કરે છે. ઉદાહરણ માટે જણાવી દઉં કે ચંદીગઢમાં ભાજપના મેયર છે. તો આ પહેલા દિવસમાં જ્યારે ટ્રેન્ડ આવી રહ્યાં હતા ત્યારે ભાજપ નેતા તેજિંદર પાલ બગ્ગાએ ટ્વીટ કરીને કહ્યુ હતું કે દિલ્હીમાં એકવાર ફરી ભાજપના મેયર બનશે. આમ આદમી પાર્ટી ચંદીગઢ કોર્પોરેશનના ૩૫ વોર્ડની ચૂંટણીમાં ૧૪ સીટ જીતી સૌથી મોટી પાર્ટી બની હતી, પરંતુ તેને બહુમતી મળી નહોતી. પરંતુ ભારતીય જનતા પાર્ટી ઓછી સીટો જીતીને પણ પોતાના મેયર બનાવવામાં સફળ રહી હતી.