રામનવમીના દિવસે બિહારના સાસારામમાં થયેલી હિંસા મામલે હવે રાજકારણ ગરમાયું છે. તંત્ર જ્યાં સ્થિતિને થાળે પાડવા મથી રહ્યું છે, ત્યાં ભાજપ અને જેડીયુ આમને સામને છે. ગૃહ મંત્રી અમિત શાહે બિહારના પ્રવાસ દરમિયાન રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું હતું, ત્યારે જેડીયુએ પણ ભાજપ પર વળતો પ્રહાર કર્યો છે. રામનવમીના દિવસે બિહારમાં ભડકેલી હિંસા બાદ અજંપા ભરી શાંતિ છે. હજુ પણ ચાંપતો પોલીસ બંદોબસ્ત છે. હિંસામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. રાજ્યના પોલીસ વડાનું માનીએ તો રાજ્યમાં કાયદો વ્યવસ્થા બગાડવા માટે કાવતરું રચવામાં આવ્યું હતું.
આ માટે જવાબદાર ૧૦૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે. રામનવમીના દિવસે સાસારામમાં જે બોમ્બ બ્લાસ્ટ થયો હતો, તે અંગે પણ પોલીસે મોટો ખુલાસો કર્યો છે, પોલીસનો દાવો છે કે બોમ્બ બનાવનારા જ બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયા હતા. આ માટે ફોરેન્સિક ટીમે ઘટના સ્થળે તપાસ કરીને પુરાવા એકત્રિત કર્યા હતા. સારવાર બાદ ઈજાગ્રસ્ત આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. મુખ્યમંત્રી નીતિશ કુમાર એક બાદ એક હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે. તેમણે પોલીસને એલર્ટ રહેવાના આદેશ આપ્યા છે. અફવા ફેલાવનારાઓ પર સખ્ત કાર્યવાહીના આદેશ અપાયા છે. આ દરમિયાન બે દિવસના બિહારના પ્રવાસે પહોંચેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બિહાર સરકાર પર નિશાન સાધ્યું હતું. નવાદામાં સભાને સંબોધન દરિયાન તેમણે કહ્યું કે તેઓ હિંસાને કારણે સાસારામ જઈ ન શક્યા. જેની સામે જેડીયુએ પણ કેન્દ્ર સરકાર પર વળતો પ્રહાર કર્યો હતો. તો આ તરફ બિહારથી સાંસદ અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે હિંસા માટે એક સમુદાય અને બિહાર સરકારને જવાબદાર ઠેરવી છે. આ માટે તેમણે ઈતિહાસનો પણ હવાલો આપ્યો.
એક તરફ જ્યાં હિંસા પર રાજકારણ રમાઈ રહ્યું છે, ત્યાં હિંસાગ્રસ્ત વિસ્તારોની જનતા શાંતિ ઈચ્છે છે. લોકો ઈચ્છે છે કે જવાબદારો સામે કાર્યવાહી કરાય. બિહાર સિવાય પણ દેશના ઘણા ભાગોમાં રામ નવમીના દિવસે હિંસા થઈ હતી. ત્યારે હવે તંત્ર તોફાની તત્વો પર ત્રાટકી રહ્યું છે. જો કે હિંસા પર રાજકારણ પણ અટકી નથી રહ્યું.