નવી દિલ્હી: દેશના સ્વતંત્રતા સંગ્રામમાં નવમી ઓગષ્ટની તારીખ ખુબ મહત્વપૂર્ણ છે. મહાત્માં ગાંધીએ વર્ષ ૧૯૪૨માં આજના દિવસે જ ભારત છોડો આંદોલનની શરૂઆત કરી હતી. આજે ઇતિહાસની ઘટનાને ૭૬ વર્ષ પૂર્ણ થઇ ગયા છે. જો કે યાદો હજુ પણ તાજી રહેલી છે. આ જ દિવસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ અંગ્રેજોની ગુલામીથી દેશને સ્વતંત્ર કરાવવા માટે કરો અથવા તો મરોનો નારો આપ્યો હતો.
દર વર્ષે આ દિવસને ઓગષ્ટ ક્રાંતિ દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આ ઐતિહાસિક પ્રસંગે ઐતિહાસિક યાદ તાજી કરીને વહીવટીતંત્ર દ્વારા ફાઇલ કરવામાં આવેલા એક રિર્પોટરના પેજને શેયર કરીને લોકોને માહિતી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શેયર કરવામાં આવેલા આ દસ્તાવેજ વાસ્તવમાં આ બાબતના પુરાવા છે કે ભારત છોડો આંદોલન મારફતે મહાત્માં ગાંધીએ કઇ રીતે અંગ્રેજોને હચમચાવી મુક્યા હતા. આંદોલનના કારણે દેશની સ્વતંત્રતા માટેની લડાઇ ચરમસીમા પર પહોંચી ગઇ હતી.
નવમી ઓગષ્ટના મહત્વપૂર્ણ દિવસની માહિતી મોદી દ્વારા આપવામાં આવી છે. નવમી ઓગષ્ટના દિવસની ઘટનાની વિગત રજૂ કરીને આ દિવસે કઇ ઘટના બની હતી અને કોની ધરપકડ કરવામાં આવી હતી તેની વિગત હવે જારી કરવામાં આવી છે. મુંબઇ સિટીમાં ગાંધી અને વર્કિંગ કમિટીના સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. અહીં લોકોના ટોળા પર ટિયરગેસના શેલ છોડવામાં આવ્યા હતા. ૧૫ સ્થળો પર પોલીસ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં આઠ લોકોના મોત થયા હતા અને ૪૪ લોકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત અમદાવાદમાં હડતાળ, પોલીસ ગોળીબારમાં એકનુ મોત, થયુ હતુ. પુણેમાં વિદ્યાર્થીઓની ભીડ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં એકનુ મોત થયુ હતુ. સુરત માટે સૈનિકો રવાના કરવામાં આવ્યા હતા.