અમદાવાદમાં પ્રિમોન્સૂન નિષ્ફળ જતા કોંગ્રેસે બેનરો લગાવ્યા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષના કોર્પોરેટર તેજા ખાન પઠાણ દ્વારા શહેરમાં જ્યાં ભૂવા પડ્યા હોય અને જ્યાં પાણી ભરાયા છે તે વિસ્તારના ફોટા સાથે બેનરો લગાવ્યા છે. ભાજપના રાજમાં વિકાસ ફરી ગાંડો થયો છે એવા સૂત્રો સાથે નેહરુનગર, પરિમલ ચાર રસ્તા, ગીતામંદિર, મણિનગર, મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ અને હાટકેશ્વર એવા વિવિધ વિસ્તારોમાં બેનરો લગાવવામાં આવ્યા છે.

વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપના સત્તાધીશોએ ચોમાસા પહેલા પ્રિમોન્સૂન એક્ટિવિટી અંતર્ગત બેઠકો કરી હતી અને શહેરમાં ત્રણ વાર સફાઇ કરવામાં આવી હોવાની મોટી મોટી વાતો કરી હતી પરંતુ વરસાદ બંધ થયાના છ કલાક બાદ પણ પાણી ઓસર્યા નથી. ૨ મહિના પહેલા તમામ ઝોનમાં કેચપીટ સફાઈ અને સ્ટ્રોમ વોટરલાઇનની સાફ-સફાઈ પાછળ રૂ. ૬.૬૧ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં હજી પણ કરોડો રૂપિયાના ડ્રેનેજ સફાઈનાં ટેન્ડરો કરવામાં આવ્યા છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને ભાજપના સત્તાધીશો માત્ર વાતો કરે છે.

પ્રિમોન્સૂન એક્ટિવિટી અંતર્ગત મોટી મોટી જાહેરાતો કરી અને યોગ્ય કામગીરી ન કરતાં આજે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષ ગુરુવારે મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઘેરાવ કરી અને વિરોધ પ્રદર્શન કરશે.અમદાવાદમાં સાંજથી વહેલી સવાર સુધી પડેલા અનરાધાર વરસાદના કારણે આખું શહેર જળબંબાકાર થઈ ગયું હતું. સતત ૧૨ કલાક સુધી શહેરના અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ભરાયાં હતાં. લોકોને પાણી ભરાઈ જવાને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વાહનો, મકાનો અને દુકાનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. ત્યારે મ્યુનિસિપાલિટીનો પ્રિમોન્સૂન પ્લાન નિષ્ફળ ગયો હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે. આજે શહેરના વિવિધ વિસ્તારોમાં વિપક્ષના નેતાઓએ બેનરો લગાવીને વિરોધ પ્રદર્શન કર્યું છે.

Share This Article