નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પુલવામા વિસ્તારમાં સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ બનાવીને આત્મઘાતી હુમલો કરવામાં આવ્યા બાદ ભારત દ્વારા પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પોક)માં ઘુસીને ત્રાસવાદીઓના તમામ અડ્ડાઓને ફુંકી મારવામાં આવ્યા બાદ સ્થિતી વિસ્ફોટક બનેલી છે. ભારત દ્વારા હવાઇ હુમલા કરવામાં આવ્યાના એક દિવસ બાદ પાકિસ્તાનના વિમાનોએ ભારતમાં સૈન્ય સ્થળ પર હુમલા કરવાના ઇરાદા સાથે ઘુસણખોરી કર્યા બાદ હવે ભારત વધારે કઠોર કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.આના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી ત્રણેય સેનાને વધુ મોટી કાર્યવાહી કરવા ખુલ્લી છુટ આપી દીધી છે.બેઠકોના દોર જારી છે. બંને દેશો વચ્ચે હાલમાં પ્રવર્તી રહેલી વિસ્ફોટક સ્થિતી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય સેનાના વડાઓ સાથે બેઠક કરી છે. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ગુપ્તચર વિભાગના પ્રમુખો પણ હાજર રહ્યા હતા.
પુલવામા ત્રાસવાદી હુમલા બાદ મોદીએ ખુલ્લી રીતે સેનાને કાર્યવાહી કરવાની છુટ આપી દીધી છે. પાકિસ્તાન તરફથી બુધવારના દિવસે દુસાહસ કરવામાં આવ્યા બાદ સ્થિતી વણસી ગઇ છે. આ વખતે એવા સંકેત મળી રહ્યા છે કે પાકિસ્તાન સામે વધુ કઠોર કાર્યવાહી કરવામાં આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવાસ સાત લોક કલ્યાણ માર્ગ પર આ બેઠક થઇ હતી. આ બેઠક આશરે દોઢ કલાક સુધી ચાલી હતી. સુત્રોએ કહ્યુ છે કે પડોશી દેશની હરકતને ધ્યાનમાં લઇને મોદીએ ત્રણેય સેનાને કઠોર આદેશ આપ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વિસ્ફોટક સ્તરે પહોંચ્યા બાદ આજે પણ બેઠકોનો દોર જારી રહ્યો હતો.
ભારતમાં ટોપ સ્તરે બેઠકો જારી રહી હતી. બેઠકોના દોર વચ્ચે ઉભી થયેલી સ્થિતિ ઉપર પણ નજર રાખવામાં આવી રહી હતી. રાજનાથસિંહે રાજ્યોના ટોપ સુરક્ષા લીડરો સાથે બેઠક યોજી હતી. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે પણ બેઠકોનો દોર જારી રાખ્યો હતો. ચીન અને રશિયાની સાથે સુષ્મા સ્વરાજે બેઠક યોજી હતી. ભારતે જવાબી કાર્યવાહી કર્યા બાદથી જુદા જુદા દેશોને પણ માહિતી આપવામાં આવી રહી છે. આતંકવાદના હુમલા બાદ તમામ દેશો ભારતની નીતિ સાથે ઉભા થયેલા છે. ઘટનાક્રમના દોર વચ્ચે સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામને આર્મી વડા બિપીન રાવત, ચીફ ઓફ એરસ્ટાફ એરચીફ માર્શલ વિરેન્દ્રસિંહ ધનોવા, નેવી ચીફ એડમિરલ સુનિલ લાંબા સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં હાલમાં ઉભી થયેલી સુરક્ષા સ્થિતિ ઉપર ચર્ચા થઇ હતી.એવા હેવાલ પણ મળી રહ્યા છે કે પાકિસ્તાને સિયાલકોટ સેક્ટરમાં એલઓસી તેમજ આંતરરાષ્ટ્રીય સરહદ પર ટેન્કોની તૈનાતી કરી દીધી છે. ભારતીય સેના પાકિસ્તાનની દરેક ગતિવિધી પર નજર રાખી રહી છે. ભારતે વૈશ્વિક મંચ પર સાફ શબ્દોમાં કહ્યુ છે કે ભારત દ્વારા કાઉન્ટર ટેરરિઝમ એક્શન હેઠળ કાર્યવાહી કરી છે. તેમાં કોઇ નાગરિકને નુકસાન કરવામાં આવ્યુ નથી.
સરહદ પર હાલમાં ગોળીબાર પણ જારી છે. પાકિસ્તાને કેટલાક વિસ્તારમાં ગોળીબાર કરીને તંગદીલી વધારી છે. સરહદ પર રહેતા લોકોમાં પણ હાલ ચિંતા છે. સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને અન્યત્ર ખસેડી લેવામાં આવ્યા છે.જમ્મુ કાશ્મીરના પુલવામા વિસ્તારમાં સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ બનાવીને આત્મઘાતી હુમલો કરવામાં આવ્યા બાદ ભારત દ્વારા પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પોક)માં ઘુસીને ત્રાસવાદીઓના તમામ અડ્ડાઓને ફુંકી મારવામાં આવ્યા બાદ હવે વિશ્વના દેશો ભારતની સાથે દેખાઇ રહ્યા છે. ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને અમેરિકાએ ભારતને ત્રાસવાદી કેમ્પો પર ભારતીય સેના દ્વારા ભીષણ હવાઇ હુમલા કરવામાં આવ્યા બાદ આ મુદ્દે સાથ આપીને તેની સાથે ઉભા હોવાની સાફ વાત કરી છે. ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સ બાદ હવે અમેરિકાએ પણ ભારતની સાથે મજબુતી સાથે ઉભા રહીને કહ્યુ છે કે પાકિસ્તાનને હજુ ત્રાસવાદી કેમ્પોનો સફાયો કરવો પડશે. સાથે સાથે અમેરિકાએ ભારતના હવાઇ હુમલા બાદ કોઇ જવાબી કાર્યવાહીથી દુર રહેવા પાકિસ્તાનને સ્પષ્ટ સલાહ પણ આપી છે.