રાજ્યમાં રખડતાં ઢોરને લીધે વધુ એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ગઇકાલે દહેગામમાં રખડતાં ઢોરને લીધે એક મહિલાનું મોત નિપજ્યું હતું. જે બાદ આ મામલે બબાલ વધી છે. મૃતક મહિલાના સંબંધીઓ દ્વારા જવાબદારો સામે ગુનો નોંધવાની માગણી કરાઇ છે. કલેક્ટર, મામલતદાર અને ચીફ ઓફિસર સામે પણ ગુનો નોંધવાની માગણી સાથે મૃતદેહની અંતિમવિધિ નહીં કરવા સંબંધીઓ મક્કમ છે. દહેગામના નિવાસી મધુબેન સોનારા નામની મહિલાનું ગઇકાલે રાત્રે રખડતા ઢોરની અડફેટ બાદ રિક્ષાની ટક્કરથી મોત નિપજ્યા બાદ આજે મામલો ગરમાયો છે.
મહિલાનો મૃતદેહ સિવિલમાં રાખવામાં આવ્યો છે અને અહીં હાજર સંબંધીઓ અને સમાજના લોકો એક જ માગણી કરી રહ્યા છે કે, આ કેસમાં જવાબદારી અધિકારી એવા કલેક્ટર, મામલતદાર અને ચીફ ઓફિસર સામે પણ ગુનો દાખલ કરવામાં આવે. રખડતા ઢોરના મામલે આ અધિકારીઓ પણ એટલા જ જવાદાર છે. પોલીસે રખડતા ઢોરના માલિકની પણ અટકાયત કરી છે અને ગુનો દાખલ કરવા તૈયાર છે. જ્યારે મૃતક મહિલાના સંબંધીઓ અધિકારીઓ સામે ગુનો દાખલ કરવાની માગણી કરી રહ્યા છે. આ મામલે બપોર સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું.
સ્થાનિક પોલીસ દ્વારા સમાધાનના પ્રયાસ થઇ રહ્યા છે, પણ પરિવાર મક્કમ છે. ઉલ્લેખનીય છે કે, દહેગામમાં રખડતા ઢોરનો પ્રશ્ન છેલ્લા કેટલાય સમયથી ગંભીર બન્યો છે. અગાઉ હાઈકોર્ટે પણ રખડતા ઢોરને લઈ મહાપાલિકાઓથી લઈ પાલિકાઓને ફટકાર લગાવી હતી અને રખડતા ઢોરના કારણે કોઈનું મોત થાય એ ચલાવી લેવાય નહીં તેવું કહ્યું હતું. નોંધનીય છે કે, દહેગામમાં રખડતા ઢોરને લઈને લોકો ત્રાહીમામ પોકારી ઊઠ્યા છે. છાશવારે નિર્દોષ લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે અને અનેક લોકો ઈજાનો ભોગ બની રહ્યા છે. ગઇકાલે સોમવારે શહેરના ભૂતેશ્વરી વિસ્તારમાં બાળકી સાથે પસાર થઈ રહેલી ૪૫ વર્ષીય મહિલાને રખડતા ઢોરે અડફેટમાં લીધા હતા અને બાદમાં રિક્ષાની ટક્કર વાગતાં મહિલાને જીવલેણ ઈજા થઈ હતી અને બાદમાં મોત નિપજ્યું હતું.
મૃતક મહિલાના સંબંધીઓ અને સમાજ મોડી રાત્રે જ દહેગામ હોસ્પિટલ ખાતે ઉમટી પડયા હતા. રખડતા ઢોરને પકડવાની માગણી સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. પોલીસે મધ્યસ્થી કરીને મામલો થાળે પાડ્યો હતો પણ આજે મૃતક મહિલાના સંબંધીઓ અને સમાજના લોકોનું મન બદલાયું છે અને તેઓ એક જ માગણી કરી રહ્યા છે કે, રખડતા ઢોર માટે જવાબદાર અધિકારીઓ સામે પણ કેસ દાખલ કરવામાં આવે. જો એમ નહીં થાય તો તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં.