નવી દિલ્હી : દિલ્હી વિધાનસભામાં ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પાસેથી ભારત રત્ન પરત લેવા સંબંધિત વિવાદાસ્પદ પ્રસ્તાવ પર આમ આદમી પાર્ટીએ પ્રથમ વખત મીડિયાના પ્રશ્નોનો આજે જવાબ આપ્યો હતો. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ કહ્યું હતું કે તેમની પાર્ટી રાજીવ ગાંધી પાસેથી ભારત રત્ન પરત લેવાની તરફેણમાં નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે દિલ્હી વિધાનસભામાં રજુ કરવામાં આવેલા પ્રસ્તાવમાં ગાંધી પાસેથી ભારત રત્ન પરત લેવાની બાબતનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. મનિષ સિસોદીયાએ કહ્યું હતું કે અમારો મુદ્દો ૧૯૮૪ના રમખાણ પીડિતોને ન્યાય અપાવવા સાથે સંબંધિત છે. તે સંબંધમાં ગઈકાલે વિધાનસભામાં ચર્ચા થઈ હતી. આના સંદર્ભમાં જ ધારાસભ્યોએ પોત પોતાની વાતો રજુ કરી હતી. તે સંદર્ભમાં એક ઠરાવ રજુ કરાયો હતો.
તે ગાળા દરમિયાન તેઓ પોતે ઉપસ્થિત રહ્યા ન હતા. રાજીવ ગાંધી પાસેથી ભારત રત્ન પરત લેવાને લઈને કોઈ મુદ્દો નથી. અમે કોઈના રાજીનામાની માંગ કરી રહ્યા નથી. અલકા લાંબાના ટ્વીટમાં જે વાત કરવામાં આવી છે તેમ પણ પ્રસ્તાવનો હિસ્સો નથી. અમે અલકાને પ્રશ્ન કરીશું કે આ બાબત તેમની પાસે ક્યાથી આવી હતી. પાર્ટીના પ્રવક્તા સૌરભ દ્વિવેદીએ કહ્યું હતું કે બે દિવસનું સત્ર હતું. તેના જ ટૂંકા ગાળાની ચર્ચામાં સૌથી છેલ્લે જનરેલસિંહે પોતાની વાત રજુ કરી હતી.
જનરેલસિંહથી પહેલા સોમનાથ ભારતી દ્વારા રજુઆત કરવામાં આવી હતી. તે પહેલા પૂર્વ મુખ્યમંત્રી સ્વ.રાજીવ ગાંધીના સંદર્ભમાં નિવેદન થયા હતા. ઠરાવ વાંચવાથી પહેલા તમામ ધારાસભ્યોને આપવામાં આવે છે. ઓનટેબલ કહેવામાં આવે છે. રાજીવ ગાંધીના સંદર્ભમાં કોઈ બાબતનો ઉલ્લેખ ન હતો. સોમનાથ ભારતી દ્વારા ઠરાવમાં પેનથી પૂર્વ વડાપ્રધાન લખી દીધું હતું અને તેને જનરેલસિંહને અપાયું હતું. જનરેલસિંહે આ લાઈન વાંચી લીધી હતી. વિધાનસભામાં શુકરવારના દિવસે વડાપ્રદાન રાજીવ ગાંધી પાસેથી ભારત રત્ન લેવાને લઈને હોબાળો રહ્યો હતો.