નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા પૂર્ણ થયા બાદ રાજ્યપાલને બદલી દેવામાં આવે તેવા સંકેતો દેખાઇ રહ્યા છે. કારણ કે આશરે દસ વર્ષથી આ પદ પર જવાબદારી સંભાળી રહેલા વર્તમાન રાજ્યપાલ એનએન વોરા દ્વારા હાલમાં અનિચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. જેના કારણે હવે અન્ય નામ પર વિચારણા ચાલી રહી છે. ટુંક સમયમાં જ અંતિમ નિર્ણય કરવામાં આવી શકે છે.
આ યાદીમાં પૂર્વ ગૃહ સચિવ અને વર્તમાન ભારતના સીએજી રાજીવ મહર્ષિના નામ પર પણ વિચારણા ચાલી રહી છે. કેટલાક સૈન્ય અધિકારીઓ પર નામની યાદીમાં સામેલ છે. એમ માનવામાં આવી રહ્યુ છે કે સંસદના મોનસુન સત્ર બાદ આ સંબંધમાં અંતિમ નિર્ણય કરવામાં આવી શકે છે.
અત્રે નોંધનીય છે કે જમ્મુકાશ્મીરમાં ભાજપ અને પીડીપી વચ્ચે ગઠબંધનનો અંત આવ્યા બાદ નવા રાજ્યપાલ મોકલી દેવાની હિલચાલ ચાલી રહી હતી. વર્તમાન રાજ્યપાલ વોરા લાંબા સમયથી હવે આ હોદ્દા પર રહેવા માટે ઇચ્છુક નથી. સૂત્રોએ કહ્યુ છે કે મહર્ષિ ચોક્કસપણે આ પદ માટે દાવેદાર છે. જો કે હજુ સુધી તેમના નામને અંતિમ રૂપ આપી દેવામાં આવ્યુ નથી. રાજ્યની સ્થિતીને ધ્યાનમાં લઇને આ પદ માટે ચાર પૂર્વ વરિષ્ઠ લશ્કરી અધિકારીઓના નામ પણ સામેલ દેખાઇ રહ્યા છે. સુત્રોના કહેવા મુજબ વોરા કેટલીક વખત કેન્દ્રિય ગૃહ પ્રધાન રાજનાથસિંહ સમક્ષ હવે આ હોદ્દા પર જારી રહેવા ઇચ્છુક નથી તેમ કહી ચુક્યા છે.