ફરહાન અખ્તરની ફિલ્મ ડોન ૩ છેલ્લાં કેટલાંક સમયથી ચર્ચાનાં કેન્દ્રમાં રહી છે. અગાઉ શાહરૂખ ખાને ફિલ્મમાંથી હટી જવાનો ર્નિણય લીધા બાદ રણવીરસિંહ ડોન બનશે તેવાં અહેવાલો આવ્યા હતા. પણ હવે રણવીરને પણ આ ફિલ્મ કરવામાં રસ નથી રહ્યો. વર્ષ ૨૦૦૬માં શાહરૂખ ખાન અભિનીત ડોન મુળ ૧૯૭૮માં રિલીઝ થયેલી અમિતાભ બચ્ચન-ઝીનત અમાન અભિનીત ડોનની રિમેક હતી. દિગ્દર્શક ફરહાન અખ્તરે રિમેકના અધિકાર ખરીદ્યા હતા. ફિલ્મને ભારે સફળતા મળતા ફરહાને વર્ષ ૨૦૧૧માં ડોન ટુ પણ બનાવી, જેને પણ પ્રશંસકોએ વખાણી હતી. બંને પાર્ટને સારો પ્રતિસાદ મળતા ફરહાને ડોન થ્રીનું આયોજન કર્યું છે.
જો કે અગાઉ બંને પાર્ટ કરનાર શાહરૂખે ત્રીજા પાર્ટમાં કામ કરવાનો ઇનકાર કરી દીધો હતો. મીડિયા અહેવાલો પ્રમાણે કિંગ ખાન એવી ફિલ્મો કરવા માંગે છે જે તમામ વર્ગનાં દર્શકો માટે હોય. તેઓ હવે અલગ પ્રકારની ફિલ્મો કરવા માંગે છે. આ જ કારણસર તેમણે આ ફિલ્મની ઓફર ફગાવી દીધી હતી. શાહરૂખે ઇનકાર કરતાં તેમની જગ્યાએ રણવીરસિંહનું નામ ચર્ચાયું હતું અને એક તબક્કે તેમણે હા પણ પાડી દીધી હતી. નિર્માતાએ રણવીર સાથેનો એનાઉન્સમેન્ટ વીડિયો પણ શૂટ કરી લીધો હતો. જેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થવાની જ હતી. પણ હવે આ ફિલ્મ અંગે નવું અપડેટ સામે આવ્યું છે. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે રણવીરે પણ આ ફિલ્મ કરવાની ના પાડી દીધી છે. આ સ્થિતિમાં ફરહાન હવે પોતે જ આ ફિલ્મમાં ડોનની ભૂમિકા ભજવવા માંગે છે. જો કે આ અહેવાલ અંગે હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ નથી થઈ. ઓરિજિનલ ડોનની વાત કરીએ તો ૧૯૭૮માં રિલીઝ થયેલી ચંદ્રા બારોટ દિગ્દર્શિત આ ફિલ્મને રિલીઝનાં પ્રથમ સપ્તાહમાં ફ્લોપ જાહેર કરવામાં આવી હતી. ફિલ્મને બનતાં સાડા ત્રણ વર્ષ લાગ્યા હતા અને જ્યારે રિલીઝ કરવાનો સમય આવ્યો ત્યારે નિર્માતા પાસે પ્રમોશન કરવાના પૈસા નહોતા. પણ કિશોર કુમારે ગાયેલા ઓઇકોનિક સોંગ ખાઇકે પાન બનારસ વાલા હીટ જતાં દર્શકો ફિલ્મ જોવા આવવા લાગ્યા. એ વર્ષે આ ફિલ્મ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ સાબિત થઈ.