જાપાનના ક્યૂશૂ ક્ષેત્રમાં ભારતીય સમય મુજબ, સાંજે 7.34 વાગ્યે 6.0ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલૉજી અનુસાર, આ ભૂકંપનું કેન્દ્ર ક્યૂશૂ ટાપુ પર હતું.
જો કે અત્યાર સુધી કોઈ મોટા નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી, જાપાન હવામાન એજન્સીએ ભૂકંપ બાદ હજુ સુધી સુનામીની કોઈ ચેતવણી જારી કરી નથી.
આ બાબતે જાપાનના હવામાન વિભાગે સ્પષ્ટતા કરી કે આ ભૂકંપથી સુનામીનો કોઈ ભય નથી. જો કે, અધિકારીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને લોકોને વધુ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. જાપાન સરકારના આપત્તિ વ્યવસ્થાપન વિભાગે કટોકટી સેવાઓને તૈયાર રહેવા સૂચના આપી છે, જેથી કોઈપણ અણધારી પરિસ્થિતિમાં ઝડપી કાર્યવાહી કરી શકાય.
મહત્વનું છે કે, ક્યૂશૂ જાપાનનો ત્રીજો સૌથી મોટો ટાપુ છે અને તે ભૂકંપની પ્રવૃત્તિઓ માટે જાણીતો છે. સ્થાનિક વહીવટીતંત્રે રહેવાસીઓને સતર્ક રહેવા અને સંભવિત ભૂકંપ માટે તૈયાર રહેવાની સલાહ આપી છે.