નવી દિલ્હી : સીબીઆઇની અંદર નંબર -૧ અને નંબર-૨ની લડાઇમાં જોરદાર વળાંક આવ્યો છે. સમગ્ર ટીમ બદલી દેવામાં આવી છે. સુત્રોએ કહ્યુ છે કે સીવીસીએ તેની તપાસ બાદ ભલામણ કરી હતી કે જે રીતે સીબીઆઇના બે ટોપના અધિકારીઓ વચ્ચે લડાઇ ચાલી રહી છે તે જોતા તેમને બળજબરીપૂર્વક રજા પર ઉતારી દેવા જાઇએ. તેમની પાસેથી તમામ અધિકારો પણ આંચકી લેવા જાઇએ. સીવીસીની આ ઇચ્છાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વાકેફ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મોદીએ પણ સીવીસીની ઇચ્છાને લઇને સહમતી દર્શાવી હતી.
ત્યારબાદ સરકારે કાર્યવાહ કરતા બે અધિકારીઓને રજા પર મોકલી દીધા હતા. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો વર્માના નજીકના અધિકારીઓને પણ દુર કરવામાં આવી રહ્યા છે. જેમાં ડીઆઇજી સિંહા અને તપાસ અધિકારી અજય બક્સીના નામ પણ સામેલ હોવાની વિગત સપાટી પર આવી રહી છે. અત્રે નોંધનીય છે કરે બક્સી પર અસ્થાનાએ વર્માના નજીકના સાથી હોવાનો આરોપ મુક્યો હતો. બીજી બાજુ દિલ્હી સ્થિત સીબીઆઇની ઓફિસના ૧૦માં અને ૧૧માં માળે જ્યાં તમામ અધિકારીઓ બેસતા હતા ત્યાં રેડ પાડવામાં આવી છે. આગામી દિવસોમાં સીબીઆઇની ટીમમાં અન્ય મોટા ફેરફાર થવાના સંકેત દેખાઇ રહ્યા છે. ગઇકાલે આલોક વર્મા અને રાકેશ અસ્થાનાના મામલામાં હાઈકોર્ટે અસ્થાનાને હાલમાં વચગાળાની રાહત આપી હતી.
હાઈકોર્ટે મામલાની આગામી સુનાવણી માટે ૨૯મી ઓક્ટોબરની તારીખ નક્કી કરી છે. કોર્ટે કહ્યું છે કે, ૨૯મી ઓક્ટોબરના દિવસે વર્મા દ્વારા રાકેશ અસ્થાના ઉપર મુકવામાં આવેલા આક્ષેપોનો જવાબ આપવામાં આવશે. કોર્ટ એ વખતે જ આ મામલામાં કોઇ નિર્ણય કરી શકશે. ૨૯મી ઓક્ટોબર સુધી હવે અસ્થાનાની ધરપકડ થઇ શકશે નહીં. હાલમાં યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ કર્યો હતો. કોર્ટે તે વખત સુધી આરોપીના મોબાઇલ અને લેપટોપ સહિત તમામ ઇલેક્ટ્રોનિક સાધનોને જપ્ત કરવાનો આદેશ કર્યો હતો. ગયા રવિવારના દિવસે તપાસ સંસ્થાએ પોતાના બે નંબરના રાકેશ અસ્થાનાની સામે એફઆઈઆર દાખલ કરી હતી. સીબીઆઈએ અસ્થાનાની સાથે પોતાની એસઆઈટીના ડેપ્યુટી એસપી ઉપરાંત કેટલાકની સામે ભ્રષ્ટાચારની જુદી જુદી કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો.
સીબીઆઈએ અસ્થાના પર દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં માંસ કારોબારી મોઈન કુરેશી પાસેથી ત્રણ કરોડ રૂપિયા લાંચ લેવાનો આક્ષેપ કર્યો હતો. અસ્થાના જ કુરેશ સામે તપાસની જવાબદારી સંભાળી રહ્યા હતા.અસ્થાનાએ પોતે તેમની સામે મુકવામાં આવેલા આક્ષેપોનો ફગાવી દીધા છે.સીબીઆઇની તપાસ ટીમની પ્રતિષ્ઠાને હાલમાં મોટો ફટકો પડ્યો છે. કારણ કે તપાસ સંસ્થાની અંદર રહેલા ટોપના અધિકારીઓ વચ્ચે જ જારદાર લડાઇ ચાલી રહી છે. મામલો કોર્ટમાં પહોંચી ચુક્યો છે.