લગ્ન બાદ જોરુનો ગુલામ બની ગયો છે રણબીર

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

લગ્ન પછી જ્યારે દીકરો પત્નીનું વધારે ધ્યાન રાખે ત્યારે તેને ‘જોરુનો ગુલામ’ કહેવાય છે અને જો તેનો ઝુકાવ પોતાની મમ્મી તરફ વધારે રહે તો ‘માવડિયો’ કહેવામાં આવે છે. અહીં મમ્મી, દીકરા અને વહુની વાત એટલા માટે થઈ રહી છે કારણકે અભિનેત્રી નીતૂ કપૂરને અવારનવાર પૂછવામાં આવે છે કે, રણબીરના લગ્ન બાદ તેમનો પુત્રવધૂ આલિયા સાથે કેવો સંબંધ છે? તેમની વહુ કેવી છે અને રણબીર સાથેના સંબંધમાં કોઈ ફેર પડ્યો? નીતૂ કપૂરે હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં આલિયા ભટ્ટ અને અને દીકરા રણબીર કપૂર સાથે પોતાના બોન્ડ વિશે વાત કરી છે.

મહત્વનું છે કે, રણબીર અને આલિયાએ ૫ વર્ષ એકબીજાને ડેટ કર્યા બાદ આ વર્ષે ૧૪ એપ્રિલે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલાથી જ આલિયા કેટલીયવાર કપૂર ખાનદાન સાથે સમય વિતાવતી જોવા મળી છે. નીતૂ સાથે આલિયાનું બોન્ડ હંમેશા પ્રેમાળ રહ્યું છે. નીતૂ કપૂર પણ આલિયાને ખૂબ પ્રેમ કરે છે. તેઓ કેટલીયવાર આલિયાના વખાણ કરતાં જોવા મળ્યા છે.

તાજેતરમાં જ આપેલા ઈન્ટરવ્યૂમાં નીતૂ કપૂરે આલિયા અને દીકરા રણબીર સાથે પોતાના બોન્ડ વિશે વાત કરતાં કહ્યું, “લોકો મને પૂછે છે કે આલિયા સાથે મારો સંબંધ કેવો હશે. અમારો સંબંધ એવો જ હશે જેવો મારા સાસુ કૃષ્ણા રાજ કપૂર સાથે મારો હતો. આલિયા ખૂબસૂરત, સુંદર અને સારી વ્યક્તિ છે. તેના મનમાં કોઈ પાપ નથી. મને લાગે છે કે સાસુ અને વહુ વચ્ચેનો સંબંધ પતિની ભૂલ છે કારણકે તમે પોતાની મમ્મીને ખૂબ પ્રેમ કરો છો અને પછી તમે જોરુના ગુલામ બની જાવ ત્યારે મમ્મીને સમસ્યા થાય તે સ્વાભાવિક છે.”

નીતૂએ આગળ કહ્યું, “જો તમે પત્ની અને મા વચ્ચેના પ્રેમમાં સંતુલન જાળવીને આગળ વધશો તો સંબંધ સારો જ રહેશે. તેઓ પણ તમને વધુ પ્રેમ કરશે. પરંતુ તમે જ્યારે પત્ની તરફ ઝુકાવ વધુ રાખશો તો મમ્મીને એવું લાગે છે કે દીકરો જોરુનો ગુલામ બની ગયો છે.” નીતૂને પૂછવામાં આવ્યું કે, શું તેમને લાગે છે કે દીકરા રણબીરના લગ્ન થઈ ગયા છે? “ના, મને હજી સુધી એવી લાગણી નથી થઈ રહી. મારો દીકરો ખૂબ સમજદાર છે. તે પોતાના પ્રેમનું સંતુલન જાળવીને ચાલે છે. તે મૉમ, મૉમ કરીને મારી પાછળ નથી આવતો. હા, પાંચ દિવસમાં એકાદવાર ફોન કરીને પૂછે છે કે, તમે ઠીક છો ને? તેનું આટલું પૂછવું પૂરતું છે. વર્કફ્રંટની વાત કરીએ તો, આલિયા અને રણબીર એકસાથે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં દેખાશે. આ સિવાય રણબીર ‘શમશેરા’માં જોવા મળશે. તો નીતૂ કપૂરની કમબેક ફિલ્મ ‘જુગ જુગ જિયો’ ૨૪ જૂને રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં તેમની સાથે વરુણ ધવન, કિયારા અડવાણી અને અનિલ કપૂર છે.

Share This Article