WTC FINAL હાર્યા પછી જૂના ખેલાડીઓને નહિ હવે યુવા ખેલાડીઓને મળશે મોકો

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

ટીમ ઈન્ડિયા સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતવાથી ચૂકી ગઈ હતી. આ વખતે ઓસ્ટ્રેલિયાએ ભારતનું સપનું તોડી નાખ્યું હતું. રોહિત શર્મા, વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા એટલે કે ભારતીય ક્રિકેટના બિગ થ્રી WTC ફાઇનલમાં નિષ્ફળ ગયા. ત્યારથી ભારતીય ટેસ્ટ ટીમમાં ફેરફારની વાતો ચાલી રહી છે. લાગે છે કે વહેલા મોડું આ પણ થશે. પરંતુ, આવતા મહિને વેસ્ટ ઈન્ડિઝ સામે ૨ ટેસ્ટ સિરીઝ રમાવાની હોવાથી આવું થવાનું શક્ય લાગતું નથી. રોહિત, વિરાટ, પુજારા જેવા દિગ્ગજ ખેલાડીઓ આ શ્રેણીનો ભાગ હશે. પરંતુ, ધીમે ધીમે યુવા ખેલાડીઓને ટીમમાં લાવવામાં આવશે એવા અણસાર છે. આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાઇકલ (૨૦૨૩-૨૫) હેઠળ, ભારતે માત્ર વેસ્ટ ઈન્ડિઝમાં પ્રથમ ટેસ્ટ શ્રેણી રમવાની છે. બંને દેશો વચ્ચે ૨ ટેસ્ટ રમવાની છે. અગાઉ એવા અહેવાલ હતા કે યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડ જેવા યુવા બેટ્‌સમેનોને આ ટેસ્ટમાં તક મળી શકે છે. પરંતુ, હવે જે વાત સામે આવી રહી છે તે એ છે કે BCCI ટીમમાં ફેરફાર કરશે. પરંતુ, આ ફેરફાર નક્કી કરેલી વ્યૂહરચના હેઠળ થશે અને તબક્કાવાર સિનિયર ખેલાડીઓને ટીમમાંથી બાકાત રાખવામાં આવશે. આ વખતે ટીમ ઈન્ડિયામાં ફેરફાર કરતી વખતે પસંદગીકારો જૂની ભૂલને યાદ રાખશે.

હકીકતમાં, ભારતીય ક્રિકેટના ફેબ ફોર રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ, સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકરે ૨૦૧૨-૧૪ દરમિયાન લગભગ એક સાથે નિવૃત્તિ લીધી હતી. આ પછી, ભારતીય ટેસ્ટ ટીમને ફરીથી તૈયાર કરવામાં ઘણો સમય લાગ્યો હતો. કારણ કે ત્યારે તેમનો બેકઅપ પ્લાન પહેલેથી તૈયાર ન હતો. આ જૂની ભૂલમાંથી બોધપાઠ લઈને આ વખતે બીસીસીઆઈ અને પસંદગીકારોએ પહેલા તમામ દિગ્ગજો માટે બેકઅપ તૈયાર કરવાનો ર્નિણય લીધો છે. આ હેઠળ, આગામી ૨ વર્ષમાં, યુવા ખેલાડીઓ તબક્કાવાર રીતે ટીમમાં આવશે અને સિનિયર્સ કાં તો નિવૃત્ત થશે અથવા બહાર જશે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે વિરાટ કોહલી, રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા વેસ્ટ ઈન્ડિઝ જશે. તે જ સમયે, અજિંક્ય રહાણે પણ આ શ્રેણી માટે ભારતીય ટીમનો ભાગ હશે. પરંતુ, આ સીરીઝ બાદ ભારતીય ટીમમાં ધીમે ધીમે ફેરફાર શરૂ થશે. પસંદગીકારો ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર શ્રેણી માટે ૨૦૨૪ના અંત સુધીમાં આવી મજબૂત ટીમ તૈયાર કરવા માંગે છે, જેમાં અનુભવી અને યુવા ખેલાડીઓનું સારું મિશ્રણ હોય. આ કારણે રોહિત, વિરાટ જેવા દિગ્ગજો આગામી કેટલીક ટેસ્ટ શ્રેણીમાં રમતા જોવા મળી શકે છે.

હવે સવાલ એ છે કે ભારતીય ટીમમાં કેવી રીતે બદલાવ આવશે? તો રિપોર્ટ અનુસાર, ફેરફારની શરૂઆત સિનિયર ખેલાડીઓથી થશે. વર્તમાન ફોર્મ અને ફિટનેસના આધારે ર્નિણય લેવામાં આવશે. વેસ્ટ ઈન્ડિઝ બાદ ભારતે આ વર્ષે ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સાથે આગામી ટેસ્ટ શ્રેણી રમવાની છે. એટલે કે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસના લગભગ ૬ મહિના બાદ આગામી ટેસ્ટ શ્રેણી રમાશે. આ દરમિયાન વધુ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમાશે નહીં. આવી સ્થિતિમાં, દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં માત્ર સિનિયર ખેલાડીઓ જ ભારતીય બેટિંગને સંભાળતા જોવા મળી શકે છે. ચેતેશ્વર પૂજારાએ WTC ફાઇનલમાં  ખાસ રન બનાવ્યા નથી. પરંતુ, તેને વેસ્ટ ઈન્ડિઝ શ્રેણી માટે ટીમમાં રાખવામાં આવશે. પૂજારાને ૨૦૨૧-૨૨માં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી બાદ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. જોકે, તે ૬ મહિના બાદ ટીમમાં પરત ફર્યો હતો. પરંતુ તેની વાપસી બાદ તેણે રમેલી ૮ ટેસ્ટમાં તે માત્ર ૧ સદી ફટકારી શક્યો હતો. જો કે તેમ છતાં, તેને પાછલા પ્રદર્શનને ધ્યાનમાં રાખીને બીજી લાઈફલાઈન મળશે એવું લાગી રહ્યું છે.

Share This Article