જેલમાંથી છુટ્યા બાદ વિધર્મી યુવકે યુવતીના પિતાને માર માર્યો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

વડોદરા : વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા ૫૩ વર્ષીય વિજયભાઈ રોહિતે ફરિયાદ નોંધાવી હતી કે, મારી પુત્રીને સમીર અબ્દુલ કુરેશી (રહે. આદર્શનગર, તરસાલી)એ મુસ્લિમ હોવા છતાં ખ્રિસ્તી હોવાનું જણાવી સેમ માર્ટિન તરીકે ઓળખ આપી મિત્રતા કરી શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ ધર્માંતરણ કરાવી લગ્ન કર્યા હતા. જે અંગેની જાણ મને થતાં વીતેલા વર્ષે જૂન મહિના દરમિયાન ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સબીરના સગા મારી દીકરીને પટાવી ફોસલાવી હાલોલ લઈ ગયા હતા અને ફરિયાદ સંદર્ભે સગાઓએ દીકરી પાસે ખોટા સોગંદનામા કરાવી સમીર તથા તેના પરિવારને જેલમાંથી મુક્ત કરાવ્યો હતો. જેલમાંથી છૂટ્યા બાદ સમીરે ફરિયાદ કરવા બદલ મારી દીકરીને માર માર્યો હતો. ચાલુ વર્ષે ૨૧ જાન્યુઆરીના રોજ મારી દીકરી સમીરના ત્રાસથી પિયર પરત આવેલી હોય તેને લેવા માટે આવ્યો હતો. તે સમયે મારી દીકરીને પટ્ટાથી કેમ મારે છે હું તેને પરત મોકલવાનો નથી તેમ જણાવતાં સમીર ઉશ્કેરાઈ ગયો હતો અને મને મારી જાતિ વિરુદ્ધ ઉચ્ચારણ કર્યું હતું. પડોશીઓ મદદે દોડી આવતા મારો હેમખેમ છૂટકારો થયો હતો. સમીર મારી દીકરીને બાઈક ઉપર બેસાડી જતો રહ્યો હતો. દીકરીએ ફોન કરી જણાવ્યું હતું કે, સમીર વિરુદ્ધ ફરિયાદ કરતો તો હું મરી જઈશ. જેથી ફરિયાદ કરવામાં વિલંબ થયો છે. અત્રે નોંધનીય છે કે, લવ જેહાદ અંગે ગુજરાત સરકારે ધર્મ સ્વતંત્ર સુધારા અધિનિયમ અંગેનો કાયદો બનાવ્યો તે બાદ વડોદરામાં પ્રથમ વખત આ ગુના હેઠળ ફરિયાદ દાખલ થઇ હતી. જેમાં ઉપરોક્ત યુવકે પોતાની જાતિ છુપાવી સોશિયલ મીડિયા પર ખ્રિસ્તી ધર્મનો હોવાનું જણાવી યુવતીને ફસાવી ફોટા વાઇરલ કરી બળાત્કાર ગુજાર્યા તે બાદ લગ્ન કરી હિંદુ ધર્મ છોડી દઈ મુસ્લિમ ધર્મ અપનાવવા ફરજ પાડી હતી.

Share This Article