શ્રદ્ધા હત્યાકાંડ મામલે આરોપી આફતાબ અમીન પુનાવાલાએ કોર્ટમાં પોતાનો ગુનો કબુલ કર્યો છે. આ સાથે જ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પેશી દરમિયાન આફતાબે જજ સામે કહ્યું કે તેણે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેના મૃતદેહના ટુકડાં કર્યા હતા. ત્યારબાદ સાકેત કોર્ટે આફતાબની પોલીસ કસ્ટડી ૪ દિવસ વધારી છે. આફતાબે વિશેષ સુનાવણી દરમિયાન જજ સામે કહ્યું કે જે પણ કઈ થયું, તે ”HEAT OF THE MOMENT’ હતું. એટલે કે જે પણ તેણે કર્યું તે વિચાર્યા વગર ગુસ્સામાં કરી નાખ્યું. જો કે વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન આ પ્રકારના કબૂલાતનામાને આરોપીનું કબૂલાતનામું ગણવામાં આવતું નથી. તેના માટે કોર્ટમાં પોલીસ જજ સામે આરોપીના ૧૬૪ હેઠળ નિવેદન લે છે. પોલીસને હજુ સુધી હથિયાર, શ્રદ્ધાના મૃતદેહના કેટલાક ભાગ અને તેનો મોબાઈલ મળ્યો નથી. દિલ્હી પોલીસ એકવાર ફરીથી ગુરુગ્રામના જંગલોમાં સર્ચ ઓપરેશન ચલાવશે. હથિયારની શોધમાં પોલીસે ૧૪ ટીમો બનાવી છે.
શ્રદ્ધાની હત્યા બાદ બીજા દિવસના આફતાબના મોબાઈલ લોકેશનના આધારે પોલીસે એક રૂટ બનાવ્યો છે આ રૂટની તપાસ થશે. તે જ ટેક્નિકલ એનાલિસિસમાં મેદાનગઢી તળાવનું લોકેશન આવ્યું હતું. મહેરોલી અને ગુરુગ્રામમાં કચરો વીણનારા લોકોની પણ પૂછપરછ થશે. આફતાબ આરી ફેકવા માટે કેબથી ગ્રુરુગ્રામ ગયો હતો. આફતાબ સામાન્ય રીતે મેટ્રોથી ઓફિસ જતો હતો. પરંતુ જે દિવસે તે પોતાની બેગમાં હથિયાર નાખીને તેને ફેંકવા માટે ગયો તેણે તે વખતે કેબ બૂક કરી હતી. આફતાબ દ્વારા આ કેબ સુધી પણ પોલીસ પહોંચવા માંગે છે જેમાં બેસીને તે હથિયાર ફેંકવા માટે ગુરુગ્રામના ડીએલએફ ફેઝ ૩ના જંગલો સુધી ગયો હતો. મહેરોલી અને ગુરુગ્રામ વચ્ચે દોડનારી ટેક્સીઓને પણ પૂછપરછ થઈ રહી છે. દિલ્હીના મેદાનગઢીના તળાવમાંથી મોટો પુરાવો મળી આવ્યો છે અને ડુબકીખોરોની મદદથી પોલીસને હાડકાં પણ મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં પોલીસને આ હાડકા માણસના હાથ લાગી રહ્યા છે. પોલીસે તમામ હાડકા તપાસ માટે CFSL મોકલી દીધા છે.
જો કે પોલીસને હજુ સુધી ખોપડી મળી નથી. પરંતુ ખોપડીનો નીચેનો ભાગ એટલે કે જડબું મળી ચૂક્યું છે. જેને તપાસ માટે CFSL મોકલી દેવાયું છે. બીજી બાજુ પોલીસને આશંકા છે કે ખોપડી આ તળાવમાં હોઈ શકે છે અને ખોપડીનો ભાગ મેળવવા માટે પોલીસ સતત તપાસ કરી રહી છે. શ્રદ્ધા હત્યાકાંડમાં એક મહત્વની વાત સામે આવી છે. સૂત્રોનું માનીએ તો પોલીસને જાણકારી મળી છે કે શ્રદ્ધાના મોબાઈલ ફોનમાં આફતાબનો એક વીડિયો હતો જેને આફતાબ ડિલીટ કરવા માંગતો હતો. પરંતુ શ્રદ્ધાએ આ વીડિયો કદાચ કોઈ બીજી એપ ઉપર પણ સેવ કર્યો હતો. જે અંગે આફતાબ કોઈ પણ ભોગે જાણવા માંગતો હતો.
સૂત્રોના જણાવ્યાં મુજબ આ વીડિયોને લઈને બંનેમાં મોટાભાગે ઝઘડો થતો હતો. હવે પોલીસ એ જાણવાની કોશિશ કરી રહી છે કે આ વીડિયોમાં એવું તે શું હતું કે જે આફતાબ કોઈ પણ ભોગે તેને ડિલીટ કરવા માંગતો હતો. એવું પણ કહેવાય છે કે આફતાબે આ માટે પોતાનો એક મોબાઈલ નંબર શ્રદ્ધાના ફેસબુક એકાઉન્ટ સાથે પણ લિંક કર્યો હતો. સૂત્રોના જણાવ્યાં મુજબ આફતાબ ૪ મોબાઈલ નંબર વાપરતો હતો. સૂત્રોએ જણાવ્યું કે શ્રદ્ધાની હત્યાના થોડા દિવસ પહેલા જ આફતાબે પોતાના મેઈન મોબાઈલ નંબરનો ઉપયોગ કરવાનું લગભગ બંધ કરી દીધુ હતું.