નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીના લોકો માટે આજે મોટી જાહેરાત કરી હતી. દિલ્હી સરકારે પ્રતિ મહિના ૨૦૦ યુનિટ સુધી વિજળી બિલકુલ ફ્રી કરી દેવાની જાહેરાત કરી છે. આનો મતલબ એ થયો કે, જો મહિને ૨૦૦ યુનિટ વિજળી યુનિટનો ઉપયોગ કરવામાં આવે છે તો બિલની ચુકવણી કરવી પડશે નહીં. આ નિર્ણયને તરત જ અમલી કરવાનો નિર્ણય પણ કરાયો છે. કેજરીવાલે કહ્યું છે કે, જો કોઇ ૨૦૦ યુનિટ સુધી વિજળીનો ઉપયોગ કરે છે તો તેને વિજળી બિલ આપવાની જરૂર રહેશે નહીં. ૨૦૧ યુનિટ થવાની સ્થિતિમાં બિલની ચુકવણી કરવી પડશે.
૨૦૧થી ૪૦૦ યુનિટ સુધી અડધી સબસિડી આપવામાં આવશે. સબસિડીની વ્યવસ્થા કરવામાં આવ્યા બાદ ગ્રાહકોમાં તેમાં પણ ફાયદો થશે. સરકારના નિર્ણય બાદ કેટલાક લોકોના મનમાં પ્રશ્ન થઇ રહ્યા છે કે, જો ૨૦૦થી ૧ યુનિટ પણ વધારે બિલ આવશે તો શું થશે. માનો કે ૩૦૦ યુનિટનો ઉપયોગ કરવામાં આવશે તો કયા પ્રકારના બિલ રહેશે. આવી સ્થિતિમાં ૨૦૦ બાદ ૧૦૦ યુનિટ પર અડધા બિલની ચુકવણી કરવી પડશે કે પછી ૩૦૦ બિલ ઉપર ચુકવણી કરવી પડશે તેને લઇને ભારે દુવિધાની સ્થિતિ જાવા મળી રહી છે. દિલ્હી સરકારે પહેલાથી જ લાગૂ નીતિ પર અમલી કરવાની જાહેરાત કરી છે.
૨૦૧૫માં એવો નિયમ બનાવવામાં આવ્યો હતો કે, ૨૦૦થી ઉપર હોવાની સ્થિતિમાં સમગ્ર બિલ પૈકી અડધા બિલની ચુકવણી કરવાની રહેશે. દાખલા તરીકે ૩૦૦ યુનિટ થવાની સ્થિતિમાં આપને ૧૫૦ના પૈસા ચુકવવા પડશે. કેજરીવાલ સરકારની આ જાહેરાતને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. કેજરીવાલે કહ્યું હતું કે, પહેલા દર વર્ષે વિજળીના બિલ વધારવામાં આવતા હતા. હવે આમ આદમી પાર્ટીની સરકારમાં વિજળી બિલ ઘટ્યા છે. પહેલા પાવર કટ લગાવવામાં આવતા હતા જેના લીધે દર વર્ષે ઇન્વર્ટર અને બેટરી ખરીદવાની ફરજ પડતી હતી.