મુઝફ્ફરનગર : મુઝફ્ફરનગરના કવાલમાં બે ભાઈ સચિન અને ગૌરવની હત્યાના મામલામાં એડીજે કોર્ટે તમામ સાત આરોપીઓને આજે આજીવન કેદની સજા ફટકારી હતી. બુધવારના દિવસે કોર્ટે સાતેય આરોપીને દોષિત ઠેરવ્યા હતા. ૨૦૧૩માં ગૌરવ અને સચિનની હત્યા અને કવાલ ગામમાં રમખાણોના મામલામાં સાત લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ સાત લોકોમાં મુજમ્મિલ, મુજસ્સિસ, ફુરકાન, નદીમ, જહાંગીર, અફઝલ અને ઇકબાલનો સમાવેશ થાય છે. અગાઉની સુનાવણી દરમિયાન સજા માટે કોર્ટે આજની તારીખ નક્કી કરી હતી. પાંચ વર્ષ પહેલા ૨૭મી ઓગસ્ટ ૨૦૧૩ના દિવસે કવાલ કાંડ બાદ મુઝફ્ફરનગર અને સામલીમાં વ્યાપક તોફાનો ફડકી ઉઠ્યા હતા.
આ કોમી હિંસામાં ૬૦થી વધુ લોકોના મોત થયા હતા. સેંકડો પરિવાર બેઘર થઇ ગયા હતા. ૨૦૧૩માં સચિન અને ગૌરવને મોટરસાયકલની ટક્કર મારવામાં આવ્યા બાદ વિવાદ થયો હતો ત્યારબાદ બંનેની હત્યા કરી દેવામાં આવી હતી.