મહારાષ્ટ્રમાં રાજકીય હંગામો હવે શાંત થતો જણાઈ રહ્યો છે. આજે મહારાષ્ટ્ર સ્પિકરની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત થઈ છે. શિવસેનાના ઘણા ધારાસભ્યોએ એકનાથ શિંદેના નેતૃત્વમાં પાર્ટી સામે બળવો કર્યો હતો. ત્યારબાદ, રાજ્યપાલે ઉદ્ધવ ઠાકરે સરકારને ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો. પરંતુ ફ્લોર ટેસ્ટ પહેલા જ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જ્યારે, શિંદે જૂથે ભાજપના સમર્થન સાથે રાજ્યમાં સરકાર બનાવી દીધી છે.
એકનાથ શિંદેના મુખ્યમંત્રી બન્યાના બીજા જ દિવસે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શિંદેને પક્ષના તમામ હોદ્દા પરથી હટાવ્યા હતા. આ બધા રાજકીય ઘટનાક્રમ બાદ આદિત્ય ઠાકરેએ ઇન્સ્ટાગ્રામ પર પ્રથમ પોસ્ટ કરી છે. આ પોસ્ટ દ્વારા તેમણે એક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરેએ શનિવારે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેમણે પિતા ઉદ્ધવ ઠાકરે સાથે ચાલતા એક તસવીર શેર કરી છે.
તસવીરના કેપ્શનમાં પણ લખ્યું છે કે, ‘હંમેશા સાચા સ્ટેપ્સ ફોલો કરવા ખૂબ જ જરૂરી છે.’ આ પોસ્ટ દ્વારા તેમણે શિવસેના અને સમગ્ર રાજ્યની જનતાને ખાસ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો. આ સિવાય આદિત્ય ઠાકરેએ પોતાના સમર્થકોનો આભાર માન્યો અને કહ્યું કે તેમનો પ્રેમ અને આશીર્વાદ જ સેનાની અસલી તાકાત છે. અગાઉ આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્રના રાજકીય હંગામા પહેલા ફાધર્સ ડે પર ઈન્સ્ટાગ્રામ પર છેલ્લી પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેમણે પોતાની બાળપણની તસવીર શેર કરી છે, જેમાં તે પિતા ઉદ્ધવ ઠાકરેના ખોળામાં બેઠેલા જોવા મળી રહ્યા છે. આ તસવીરના કેપ્શનમાં તેમણે લખ્યું, ‘મારી સતત પ્રેરણા અને શક્તિને ફાધર્સ ડેની શુભકામનાઓ!’