આદિત્ય બિરલા ગ્રુપની કંપની બીજીએચ પ્રોપર્ટીઝએ મુંબઈના પોશ વિસ્તારમાં ૨૨૦ કરોડ રૂપિયામાં એક બંગલાની ખરીદી કરી. આ બંગલો દક્ષિણ મુંબઈના કારમાઈકલ રોડ પર આવેલો છે. સન્ની વિલે નામે ઓળખાતો બંગલો એક પારસી મહિલા અર્નેવાઝ ખરશેદજી દુબાશની માલિકીનો છે. જેનું ૨૦૧૩માં અવસાન થયું હતું. બિરલા ગ્રુપ દ્વારા ઉંચી કિમંતે ખરીદવામાં આવેલ બંગલાની માહિતીના ડોક્યુમેન્ટસ દ્વારા પ્રાપ્ત થઈ.
આદિત્ય બિરલા ગ્રુપે પારસી મહિલાની માલિકીનો બંગલો દક્ષિણ મુંબઈમાં દહનુકર માર્ગ પર છે. જેનું કુલ ક્ષેત્રફળ ૧૮,૪૯૪.૦૪ વર્ગ ફૂટ છે. કવર કરવામાં આવેલ ગેરેજનું ક્ષેત્રફળ ૧૯૦ વર્ગ ફૂટ છે. ડોક્યુમેન્ટસ દ્વારા જાણવા મળ્યા મુજબ પ્રોપર્ટીની રજીસ્ટ્રી ૧૦ એપ્રિલ ૨૦૨૩માં થઈ હતી. અને ખરીદદારે ૧૩.૨૦ કરોડની સ્ટેમ્પ ડ્યૂટીની ચૂકવણી કરી છે. બંગલાની માલિક પારસી મહિલા દુબાશની માતાએ ૧૮ માર્ચ, ૧૯૬૦ ના રોજ પેરોશો ધુંજીશા બોલ્ટન ચેરિટીઝ નામના એક પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટની રચના કરી હતી. આ ટ્રસ્ટમાં પ્રથમ ટ્રસ્ટી સુનાબાઈ પેરોશા બોલ્ટન હતા. અર્નેવાઝ દુબાશે ૫ નવેમ્બર, ૨૦૧૨ના રોજ છેલ્લું વસિયતનામું કર્યું હતું.
“એર્નેવાઝ દુબાશની ઇચ્છાથી તેમણે નિર્દેશ આપ્યો હતો કે તેમની તમામ પ્રાચીન વસ્તુઓ, મૂળ મુઘલ ચિત્રો, ચાંદીના વાસણો વેચવામાં આવે અને ચોખ્ખી વેચાણની રકમ પેરોશો ધુંજીશા બોલ્ટન ચેરિટીઝને ટ્રાન્સફર કરવામાં આવે. એક પારિવારિક સ્ત્રોતના જણાવ્યા મુજબ વેચાણમાંથી મળેલી રકમ સખાવતી હેતુઓ માટે વાપરવામાં આવશે. હાલમાં બંગલાની ખરીદી મામલે આદિત્ય બિરલા તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૫માં કુમાર મંગલમ બિરલાએ લિટલ ગિબ્સ રોડ, મલબાર હિલ ખાતે પ્રતિષ્ઠિત જાટિયા હાઉસ ૪૨૫ કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. વર્ષ ૨૦૨૧ની શરૂઆતમાં રાધાકિશન દામાણી અને તેમના ભાઈ ગોપીકિશન દામાણીએ મુંબઈના પોશ મલબાર હિલ વિસ્તારમાં ૧,૦૦૧ કરોડ રૂપિયામાં ઘર ખરીદી વર્ષની સૌથી મોટી ડીલ કરી હતી.